Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અમદાવાદમાં ટ્રાફિકજામ કરનાર કારચાલકે પોલીસે ખખડાવ્યા

પોલીસ ચોકીમાં લઇ જતાં તેનું ઉપરાણું લેવા માતા-પિતા અને હાઇકોર્ટના વકીલ દોડી આવ્યા:પોલીસને ધમકાવી સમાધાન કરવા જણાવ્યું

અમદાવાદ : સોલા ભાગવત ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ કરનાર કારચાલક યુવકને પોલીસે પકડતાં કારચાલકે પોલીસને ખખડાવ્યા હતા તમારા બક્કલ-પટ્ટા ઊતરાવી દઇશ, અમારા સંબંધીઓ હાઇકોર્ટમાં ઊંચા હોદ્દા પર છે. તમે બધા પોલીસમાં કઇ રીતે નોકરી કરો છો તે અમે જોઇ લઇશું-આ શબ્દો છે એક ડોક્ટર, વકીલ અને એક યુવકના કારચાલકને પોલીસ તેને ચોકીમાં લઇ જતાં તેનું ઉપરાણું લઇ તેનાં માતા-પિતા અને હાઇકોર્ટના વકીલ દોડી આવ્યા હતા અને પોલીસને ધમકાવી સમાધાન કરવા જણાવ્યું હતું. જો સમાધાન ન કરે તો તેમને યોગ્ય લાગે તેવી ફરિયાદ લખાવશે તેમ કહ્યું હતું. આથી સોલા પોલીસે આ અંગે ગુનો નોંધી કાર નંબરના આધારે કારચાલકની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

   મળતી માહિતી મુજબ સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઇ ગઇ કાલે સવારે સોલા ભાગવતચોકી પર હાજર હતા તે દરમ્યાનમાં એક બાઇકચાલકે ચોકી પર આવીને જણાવ્યું હતું કે એક કારચાલક રોડ પર રોંગ સાઇડમાં ગાડી ચલાવે છે, જેનાથી ટ્રાફિક જામ થાય છે, જેથી હર્ષદભાઇ અને અન્ય ટ્રાફિક પોલીસકર્મીઓ ટ્રાફિક દૂર કરવા ગયા હતા. રોંગસાઇડમાં કાર ચલાવનાર ઇસમને સમજાવવા છતાં તે સમજ્યો ન હતો અને ઉશ્કેરાઇ જઇ હું આ જ રસ્તે જઇશ તેમ જણાવી હર્ષદભાઇને આંગળી પર બચકું ભર્યું હતું.

   જેથી અન્ય પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને કારચાલકને પકડી લેતાં યુવકે રોડ પર સૂઇ જઇ બૂમાબૂમ કરી મૂકી હતી. પોલીસે તેને પકડી પોલીસચોકીમાં બેસાડતાં લોકોને ભેગા કરી બૂમાબૂમ કરી હતી. પોલીસને ગાળ આપી મારા પિતા ડોક્ટર (સર્જન) છે. મારા અંકલ હાઇકોર્ટના સરકારી વકીલ છે. હમણાં તમને સસ્પેન્ડ કરાવી દઇશ તેમ કહી તેનાં માતા-પિતા અને અન્ય એક વ્યક્તિને બોલાવ્યાં હતાં.

ચારેય વ્યક્તિએ ભેગાં મળી પોલીસચોકીમાં હંગામો મચાવ્યો હતો. પોલીસ ચારેયને પોલીસ સ્ટેશન લઇ જઇ તેઓના વિરુદ્ધમાં ફરિયાદ લખાવવા ગઇ હતી ત્યારે બે વ્યક્તિ આવી હતી અને તેઓએ હાઇકોર્ટના અને સરકારી વકીલ છે તેવી ઓળખાણ આપી હતી. પોલીસ ઓફિસર સાથે ઓળખાણ છે તેમ કહી આ સામાન્ય માણસો નથી, આ લોકો સામે ફરિયાદ કરશો તો તકલીફ પડશે, સમાધાન કરી લો તેમ જણાવ્યું હતું. પોલીસકર્મીએ સમાધાન નહીં થાય અને ફરિયાદ થશે તેવું જણાવતાં તે બંને વકીલે જણાવ્યું હતું કે તેઓને લાગશે તેવી યોગ્ય ફરિયાદ લખાવશે. આમ કહીને વકીલ, કારચાલક, તેનાં માતા-પિતા સહિતના લોકો કારની ચાવી લઇ કાર લઇ જતા રહ્યા હતા. પોલીસે આ અંગે કારચાલક યુવક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

(8:00 pm IST)