Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ઉમરેઠના રતનપુરાના યુવકને ઝેરી દવાની અસર થતા સારવારઅર્થે ખસેડવામાં આવ્યો

આણંદ:જિલ્લાના ઉમરેઠ તાબે રતનપુરામાં રહેતા એક યુવાનને ઝેરી દવાની અસર અંગે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ યુુવાનના પરીવારજનો તે મરચીના ખેતરમાં દવા છાંટતા તેના મોઢામાં દવા જતા આંચકી હોવાનો રાગ તાણી રહ્યા છે. તબીબની તપાસમાં તેના શરીરમાં દવાનું પ્રમાણ વધુ મળી આવતા તેને દવા પીધી હોવાનું અનુમાન કરી રહ્યા છે. આ ઘટનામાં હાલ ઉમરેઠ પોલીસ મથકે જાણવા જોગ નોંધ લઈ તપાસ હાથધરી છે. આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કરમસદ મેડીકલ હોસ્પિટલમાંથી તબીબ દ્વારા એક ટેલિફોનીક વર્ધી લખાવવામાં આવી હતી.જેમાં ઉમરેઠ તાબે રતનપુરા સીમમાં રહેતો અજીત ગોરખભાઈ સોલંકી જેને ગઈ તા. ૧૮મીના રોજ કરમસદ મેડીકલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. આ યુવાન મરચીના ખેતરમાં દવા છાંટતો હોવાથી તેને આંચકી આવતા તેને સારવાર માટે લાવવામાં આવ્યો હોય તેવી માહિતી તેના પરીવારજનોએ તબીબને જણાવી હતી. આ યુવાનની સારવાર દરમ્યાન તબીબને તેના શરીરમાં દવાની માત્રા વધુ પ્રમાણમાં હોવાની પાક્કી જાણ થઈ હતી. જેથી તેઓએ આ યુવાને દવા પીધી હોવાનું અનુમાન કરી ઉમરેઠ પોલીસ મથકે જાણવા જોગ નોંધ આપી હતી. આ ઘટનામાં યુવાને દવા ગટગટાવી કે ખેતરની દવા છાંટવા જતા તેના શ્વાસમાં આવી તે અંગે વધુ તપાસ ઉમરેઠ પોલીસે હાથધરી હતી.

(6:06 pm IST)