Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ર૦રર ને ધ્યાને રાખીને શહેરી મતદારો પર વધુ ધ્યાન

૮ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપીને ભાજપ જનાધાર વધારવા ઉત્સુક

અમદાવાદ તા. ર૧ :.. ગુજરાતમાં ૮ મહાનગરપાલિકા છે અને બીજી ૮ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે માગણી થઇ છે. જેમાં ભરૂચ, નડીયાદ, આણંદ, અમરેલી, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર, વલસાડનો સમાવેશ થાય છે. જો આ ૮ શહેર મહાનગરપાલિકામાં ફેરવાઇ જાય તો ભાજપને ગુજરાતમાં ફાયદો થાય તે છે.

હાલની ૮ મહાનગરપાલિકાના જોર પર ભાજપે ગુજરાતમાં ફરી એક વખત સત્તા મેળવી છે. હવે જો તેમાં બીજા ૮ મહાનગરપાલિકા ઉમેરી દેવામાં આવે તો ર૦રર ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ફરી એક વખત સરકાર બનાવી શકે તેવી આશા છે. ભાજપ સરકાર ભરૂચને મહાનગરનો દરજ્જો આપવા માટે વિચારી રહી છે. તેની સાથે બીજા કેટલાંક શહેર પણ મહાનગરપાલિકામાં ફેરવાય એવું બની શકે છે. ખાસ કરીને વલસાડ, નવસારી, મહેસાણા જેવા શહેરોને પણ મહાનગર જાહેર કરીને તેમાં બીજા એક હજાર ગામને આ શહેરમાં ભેળવી દઇને મોટા કદના શહેરોમાં ફેરવી દેવામાં આવી તો નવાઇ નહીં. હાલના ૮ મહાનગરોમાં આસપાસના ગામડાઓને ભેળવી દેવાયા બાદ ભાજપ વધારે મજબૂત થયો હતો.

અમદાવાદમાં કાયમી શાસન સ્થપાયું તેનું મુખ્ય કારણ એ હતું કે પૂર્વનો વિસ્તાર મહાનગરની હદમાં ભેળવી દેવાયો હતો. ત્યારબાદ પશ્ચિમ અમદાવાદ ભેળવી દેવાયું હતું અને ભાજપની પાંચ વિધાનસભા બેઠકો સીધી વધી ગઇ હતી. ૮ મહાનગરોમાં કુલ પ૩ વિધાનસભા બેઠક છે અને તેમાં સાત પર જ કોંગ્રેસનો કબજો છે. બાકી બધી ભાજપ પાસે છે. જો બીજા ૮ શહેરોને આ રીતે ભેળવીને તેમાં ગ્રામ્ય વિસ્તારો કે નગરપાલિકાઓને તેમાં લઇ લેવામાં આવે તો રપ બેઠકો સીધી વધે શકે અને તેમાં ર૦ બેઠકો પર ભાજપ સરળતાથી જીતી શકે તેમ છે. તેથી જેમ વધુ મહાનગર બને તેમ કોંગ્રેસને હરાવવી વધારે સરળ બને અને સત્તા ટકાવી રાખવી ભાજપ માટે એકદમ સરળ બની શકે તેમ છે.

આમ થાય તો મહાનગર પાલિકાની કુલ ૭૭  બેઠકો  શહેરો અને તેની આસપાસના અર્ધ શહેરી વિસ્તારોની બીજી ૧૨-૧૩ બેઠકો પર ભાજપનો રાજકીય પ્રભાવ વધે તો ૯૦ બેઠક શહેરની બને અને તેમાં ૮૦ બેઠક ભાજપ સરળતાથી લઇ શકે છે. એટલે બીજા નાના શહેરોની ૧૦ બેઠક ભાજપ મેળવી શકે છે અને તેમ થતાં તેની પાસે ૯૦ બેઠક તો શહેરની  જ થઇ જાય છે. તેથી  તેને ગ્રામ્ય વિસ્તારની કોઇ જરૂર જ રહેશે નહીં. આમ થતા ભાજપ ૧૦૦ ટકા શહેરી વિસ્તારનો પક્ષ બની જશે અને તેમ ગણિત માંડવામાં આવી રહ્યુ છે.

ભાજપને ફાયદો થાય એવા ઉમેદવારો છેલ્લા રપ વર્ષથી મૂકતો આવ્યો છે. જો કે હવે શેરી મતદાર પર કોંગ્રેસ વધારે ફોકસ કરવા માગે છે. તેમાં કેટલાં  સફળ રહે છે તે જોવાનું છે, પણ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પોતે આક્રમક ન હોવાથી શહેરોમાં કોંગ્રેસ સફળ થશે કે કેમ તે અંગે કોંગ્રેસના કાર્યકરો શંકા વ્યકત કરી રહ્યા છે. (પ-ર૩)

 

(3:48 pm IST)