Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

જનતા કરફ્યુને જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રનો સંપૂર્ણ ટેકો

જીજેસીના સભ્યો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂર્ણ સમર્થન : જીજેસી સરકાર અને જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ વચ્ચે સેતુરૂપ

અમદાવાદ, તા.૨૧  :  ભારતમાં ૬ લાખથી વધારે જ્વેલર્સનું પ્રતિનિધિત્વ કરતું રાષ્ટ્રીય વેપારી સંગઠન ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સીલ (જીજેસી)એ કોવિડ-૧૯ સામેના અભિયાનમાં સરકારને સંપૂર્ણપણે સાથસહકાર અને ટેકો આપવાની જાહેરાત કરી છે. જીજેસીના સભ્યો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ રોગચાળા સામે લડવા આવતીકાલની તા.૨૨ માર્ચ, ૨૦૨૦નાં રોજ જનતા કરફયુની અપીલને ટેકો જાહેર કરાયો છે. છેલ્લાં ૧૪ વર્ષથી જીજેસી સરકાર અને જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ વચ્ચે સેતુરૂપ બની છે તેમજ ઉદ્યોગ તરફથી અને ઉદ્યોગ માટે વિવિધ પહેલો હાથ ધરી છે. જીજેસી ઉદ્યોગના સાથીદારો તેમજ કારીગરો અને કલાકારોના લાભ અને ઉત્થાન માટે જ્વેલર્સ દ્વારા સ્વૈચ્છિક સેવાની સમૃદ્ધ પરંપરા ધરાવે છે.

                સભ્યો અને ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય લોકોની સલામતી અને સુખાકારી એની હંમેશા પ્રાથમિકતા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જીજેસીએ કોવિડ-૧૯ એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં મેક ઇન ઇન્ડિયા સ્વદેશી ઉદ્યોગનાં સભ્યોને જવાબદારી અદા કરવા તેમજ કર્મચારીઓ, કારીગરો, ગ્રાહકો, ઉત્પાદકો, હોલસેલરો, રિટેલરો, વિતરકો, પ્રયોગશાળાઓ, જેમેલોજિસ્ટો, ડિઝાઇનરો અને આનુષંગિક સેવા પ્રદાતાઓને સંપૂર્ણ સાથસહકાર આપવાની અપીલ કરી છે, જેથી શક્ય તમામ સાવચેતીઓ સાથે સ્વસ્થ અને સલામત વાતાવરણ જળવાઈ રહે. જીજેસીનાં ચેરમેન શ્રી અનંત પહ્મનાભને જણાવ્યું હતું કે, દેશમાં જીજેસીનાં સભ્યો ભારત સરકારની કોવિડ-૧૯ સામેની ચાલુ લડતને સંપૂર્ણ સાથ સહકાર અને શક્ય એટલે ટેકો આપશે.

                 આપણે નસીબદાર છીએ કે, આપણી કેન્દ્ર અને રાજ્ય સરકારો આપણી તમામની સલામતી સુનિશ્ચિત કરવા ૨૪ બાય ૭ કામ કરી રહી જછે. અમે પ્રધાનમંત્રીના તા.૨૨ માર્ચનાં જનતા કરફયુના આહવાનને આવકારીએ છીએ અને અમે એને સફળ બનાવવા આતુર છીએ. એક જવાબદાર સંસ્થા તરીકે અમે દેશમાં સંપૂર્ણ જ્વેલરી સમુદાયની સુખાકારી માટે એડવાઇઝરી જાહેર કરી છે. જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગે હંમેશા જવાબદારી સાથે ભૂમિકા અદા કરી છે અને જીજેસીએ આ પ્રકારની સ્થિતિને નિયંત્રણમાં લેવા સરકારની લડાઈમાં એની સાથે ખભેખભો મિલાવીને હંમેશા સાથ સહકાર આપ્યો છે.

(9:20 pm IST)