Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

ગુજરાતમાં ફરીથી વરસાદી ઝાપટા પડે તેવી પ્રબળ વકી

કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર : સાવરકુંડલા સહિતના પંથકોમાં કમોસમી વરસાદ પડયો ઉત્તર,દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ફરી વરસાદ પડી શકે

અમદાવાદ,તા. ૨૧ :   દેશ અને ગુજરાતમાં  એક તરફ કોરોના વાયરસે ભરડો લીધો છે ત્યારે તા.૨૫મી માર્ચે રાજયના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરતા ખેડૂતો સહિત હવે તો આમ નાગરિકોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી તા.૨૫ માર્ચના થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરતા ખાસ કરીને જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.  તો બીજીબાજુ, કોરોનાના કહેરને લઇ જો વરસાદ પડે તો કોરોનાનો ચેપ વધુ ફેલાય નહી તેની દહેશતને લઇ સામાન્ય પ્રજાજનો પણ ચિંતાતુર બન્યા છે. બીજીબાજુ, આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભુવા, ખડકાલા, જના સાવર, મોલડી, અમૃતવેલ સહિતના પંથકોમાં આજે કમોસમી વરસાદ પડતાં ખેડૂતો સહિત સ્થાનિક ગ્રામ્યજનો ભારે ચિંતામાં મૂકાયા હતા.  હવામાન વિભાગે જણાવ્યું હતું કે, તા.૨૫ માર્ચે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેલી છે.

          તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડતા કેરીના પાકને ભારે નુકસાન થવાની સંભાવના રહેલી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં પણ થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદની સંભાવના અસર જોવા મળી રહી છે. જો માવઠું વધારે થશે તો રવિ પાકને પારવાર નુકસાન થઈ શકે છે. રવિ પાક ઉપરાંત કેરીમાં પણ નુકસાની થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. લાંબુ ચોમાસું અને કમોસમી વરસાદના કારણે અગાઉથી જ ખેડૂતોની સ્થિતિ ખરાબ હતી આમ ફરીથી જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને રોવાનો વારો આવે તેવી વકી છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ ગુજરાતમાં કોરોના વાયરસના ૧૩ કેસ નોંધાઇ ચૂકયા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરતા રાજ્યના નાગરિકો તથા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો, વરસાદી વાતાવરણ વચ્ચે કોરોના વાઇરસની અસર અને તેનો ચેપ વધુ ના ફેલાય તે માટે હવે તંત્ર અને સરકારી અધિકારીઓ એલર્ટ બની ગયા છે અને તકેદારીના પગલાનું આયોજન કરવામાં જોતરાયા છે. દરમિયાન અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૯.૮ ડિગ્રી રહ્યુ હતુ. રાજ્યના કેટલાક ભાગોમાં પાલો ૩૫ સુધી પહોંચી ગયો હતો. અમરેલીમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી રહ્યુ હતુ. આવી જ રીતે ગાંધીનગરમાં પણ તાપમાન ૩૫ ડિગ્રી રહ્યુ હતુ.  

ક્યા કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૨૧ : અમદાવાદ સહિત રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં આજે લઘુત્તમ તાપમાન નીચે મુજબ રહ્યું હતું.

વિસ્તાર....................................... મહત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૩૪.૮

ડિસા............................................................ ૩૩.૪

ગાંધીનગર ..................................................... ૩૫

વીવીનગર.................................................... ૩૪.૯

વડોદરા........................................................... ૩૪

સુરત........................................................... ૩૧.૨

અમરેલી....................................................... ૩૧.૨

ભાવનગર..................................................... ૩૩.૪

રાજકોટ........................................................ ૩૬.૯

નલિયા......................................................... ૩૦.૬

પોરબંદર...................................................... ૩૦.૭

સુરેન્દ્રનગર................................................... ૩૫.૮

(9:19 pm IST)