Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

શાકભાજીના ભાવો રાતોરાત આસમાને

ગૃહિણીઓમાં હાયકારોઃ અમુક કરિયાણાવાળાને ત્યાં મીલ ખાલી થઈ ગયોઃ તમામ શાક મોંઘાદાટઃ ૧૦૦થી ૧૫૦ના કિલોઃ કોથમીર-લીમડો પણ કોઈ આપતુ નથી

રાજકોટ, તા. ૨૧ :. આવતીકાલે તા. ૨૨ના રોજ દેશભરમા જનતા કર્ફયુને કારણે કોઈ વસ્તુ નહી મળે તેવી બીકથી ગઈકાલે સવારથી જ ગૃહિણીઓ અનાજ, શાકભાજી, દૂધ વગેરેનો સંગ્રહ કરવા નિકળી પડી હતી, પરિણામે આ બધી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા હતા અને શહેરની ગૃહિણીઓમાં હાયકારો બોલી ગયો હતો.

કાલે બંધ રહ્યા બાદ પણ અમુક દિવસો સુધી શાકભાજી, અનાજ, કરીયાણા વગેરે નહી મળે તેવો ભય લોકોમાં ફેલાયો છે, પરિણામ સ્વરૂપે ગઈકાલથી શહેરીજનોએ સંગ્રહખોરી શરૂ કરી દીધી આથી શાકભાજી અને કરીયાણાની દુકાનોમાં વસ્તુઓ ખૂટવા લાગી એટલુ જ નહીં શાકભાજી, બટેટા, ડુંગળી વગેરે ૧૭૦થી ૧૫૦ના કિલો લેખે વેચવા લાગ્યા. કોથમીર, લીમડો જેવી લીલી શાકભાજીની અછત સર્જાઈ ગઈ. શહેરના દાણાપીઠ વિસ્તારમાં હોલસેલરોને ત્યાં પણ તડાકો પડયો હતો અને આ હોલસેલરોને ત્યાં પણ માલ ખૂટવા લાગ્યો પરિણામ સ્વરૂપે શહેરીજનોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાવાનો હાઉ ઉભો થઈ ગયો છે, ત્યારે તંત્ર વાહકો આ બાબતે જરૂરી પગલા લ્યે તેવી માંગ ઉઠી છે.

(4:18 pm IST)