Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

થાય એટલું ભેગુ કરો...ની વૃત્તિ ગુજરાતમાં પણ શરૂ, માસ્કની કાળાબજારી થવા લાગી

૨ રૂપિયાના માસ્કના ૨૦ થી ૩૦ રૂપિયા વસૂલવામાં ફાર્માસિસ્ટ જરાય શરમ નથી અનુભવી રહ્યાં

અમદાવાદ, તા.૨૧: કોરોના વાયરસનો ગુજરાતમાં પગપેસારો થતા જ રાજયમાં માસ્ક અને સેનીટાઈઝરની કાળા બજારી શરૂ થઈ ગઈ છે. ૨ રૂપિયાના માસ્કના ૨૦ થી ૩૦ રૂપિયા વસૂલવામાં ફાર્માસિસ્ટ જરાય શરમ નથી અનુભવી રહ્યાં છે. ત્યારે રાજય સરકારના આદેશ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે રાજયના અનેક મેડિકલ સ્ટોરમાં કાર્યવાહી હાથ ધરી અને બંધ કરાવી છે. આ સાથે જ રાજય સરકારે પણ ચેતવણી આપી છે કે લોકોને જરૂરિયાતની વસ્તુ વેચવામાં કાળા બજારી કરતું ઝડપાશે તો તેમની સામે કાર્યવાહી કરાશે. જરૂર પડ્યે દુકાન પણ સીલ કરાશે.

કોરોના વાયરસનો હાવ એટલો બધો છે કે લોકો કાળા બજારીના ડરથી જેટલુ ભેગુ થાય તેટલું દ્યરમાં ભેગુ કરી રહ્યાં છે. વાયરસથી બચવા ફેસ માસ્કના ભાવમાં ૫ ગણાનો વધારો થઈ ગયો છે અને કાળા બજારી શરૂ થઈ ગઈ છે. લોકો પણ જરૂરિયાત હોવાથી વધુ રૂપિયા ચૂકવી ખરીદી રહ્યાં છે. અમદાવાદમાં પણ આવી કાળા બજારી શરૂ થઈ હોવાનો ખુદ મેડિકલ સ્ટોર માલિકો સ્વીકાર કરી રહ્યાં છે.

ચોંકાવનારી વાત એ છે કે જે માસ્ક ૨-૨ રૂપિયામાં મળતા હતાં, તે તમામ માસ્ક હવે ૨૦થી ૩૦ રૂપિયામાં મળતા થયા છે. માસ્ક કઈ રીતે હોલસેલ વેપારીઓ ખરીદે છે અને તેની કઈ રીતે થાય છે કાળા બજારી તે માટે દુકાનદારો સાથે વાતચીત પણ કરતાં અનેક હકીકત સામે આવી છે.

અનેક મેડિકલ સ્ટોરમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, માસ્કના ભાવ ડબલ થઈ ગયા હોવાનો વેપારી પોતે જ સ્વીકાર કરી રહ્યો છે. લોકોને જરૂરિયાત છે એટલે ખરીદી કરવા સિવાય કોઈ છૂટકો નથી. હોલસેલ વેપારીઓ પાસે પણ માસ્ક વધુ કિંમતે આવે છે. તેથી કેટલાક સમજુ વેપારીઓ વધુ નફો ન લઈ તેને વેચી દે છે, પણ વધુ મેળવવાની લાલચે છૂટક વેપારીઓ તોડી નાંખે તેવા ભાવ કાપડના ટુકડાના વસૂલી રહ્યાં છે.

આ પરિસ્થિતિ માત્ર અહીંના મેડિકલ સ્ટોર જ નથી, પણ ઓનલાઈન બજારમાં પણ માસ્ક અને સેનીટાઈઝરની કિંમત આસમાને પહોંચી ગઈ છે. ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ કે પછી સરકારી અન્ય વિભાગો નાના વેપારીઓને પરેશાન કરતાં હોવાનો પરંતુ ઓનલાઇન પર કોઈ જ કાર્યવાહી ન કરતાં હોવાનો આરોપ પણ ઉભો થયો છે.

(1:19 pm IST)