Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

અમદાવાદના એસજી હાઇવે પર બે કાર અથડાઇઃ કાર ચાલક બિલ્ડરનું મોતઃ એક વ્યક્તિને હાથમાં ઇજા

સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કૂદી સામેથી આવતી એસયુવી કાર સાથે અથડાઇ

અમદાવાદ: ઈસ્કોન બ્રિજના છેડે મંગળવારે મોડી રાત્રે થયેલા ભયાનક અકસ્માતમાં એક બિલ્ડરનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને પોતાનો હાથ ગુમાવવો પડ્યો છે. ઈસ્કોન બ્રિજથી ગોતા તરફ જઈ રહેલી એક કાર ડિવાઈડર કૂદીને સામે આવતી કાર સાથે ધડાકાભેર અથડાતા આ અકસ્માત થયો હતો. જેમાં મૃતકની ઓળખ વિપુલ પટેલ તરીકે ઓળખાઈ છે, જેઓ આસ્થા બંગલોમાં રહેતા હતા.

બિલ્ડર વિપુલ પટેલ જ આ કાર ચલાવી રહ્યા હતા, અને તેમની સાથે પ્રતિક બ્રહ્મભટ્ટ નામનો વ્યક્તિ બેઠો હતો. પ્રતિકને આ અકસ્માતમાં પોતાનો હાથ ગુમાવવો પડ્યો છે. આ અકસ્માત મંગળવારે રાત્રે સવા એક વાગ્યે થયો હતો, જેમાં વિપુલ પટેલે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તેમની કાર સામેની સાઈડથી આવી રહેલી એક એસયૂવી સાથે અથડાઈ હતી. આ એસયૂવીમાં ટીસીએસ કંપનીના સાત કર્મચારીઓ સવાર હતી, તે તમામને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપુલ પટેલની કાર ડિવાઈડર કૂદીને હવામાં ફંગોળાઈ હતી, અને સામે આવી રહેલી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. સ્થળ પર તૈનાત પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને એમ્બ્યુલન્સ બોલાવાઈ હતી. વિપુલ પટેલનું ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યું હતું, જ્યારે પ્રતિક બ્રહ્મભટ્ટને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતનો ભોગ બનેલી બિલ્ડરની કારમાં પોલીસને દારુની બોટલ અને એક ગ્લાસ પણ મળી આવ્યા હતા. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ઘાયલ પ્રતિક બ્રહ્મભટ્ટના બ્લડ સેમ્પલ તેમજ વિપુલ પટેલનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ તેમણે દારુનો નશો કર્યો હતો કે કેમ તે કહી શકાય. હાલ પ્રતિક બ્રહ્મભટ્ટની હાલત પણ ગંભીર હોવાથી તેની પૂછપરછ થઈ શકી નથી.
આ જ સ્થળે સવારે છ વાગ્યે પણ ચાર ગાડીઓ એકબીજાને અથડાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતગ્રસ્ત કારને જોવામાં કારચાલકોએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો હતો.
(10:23 am IST)