Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

અમદાવાદમાં એએસઆઇ અને પીઆઇ વચ્ચે ઝપાઝપી: મામલો પોલીસ મથકે પહોંચ્યો : આખરે સમાધાન

લારી રાખીને ધંધો કરતા એએસઆઈએ પોતાની ઓળખ આપી છતાં પૈસાની માંગણી કરીને લાફો ઝીકતા એએસઆઇએ પણ પીઆઇને મુક્કો માર્યો

અમદાવાદ :અમદાવાદમાં પોલીસ બેડામાં ચકચાર જગાવતો કિસ્સો બહાર આવ્યો છે જેમાં જમાલપુર વિસ્તારમાં લારી ઉભી રાખનાર એક શખસ પાસે વિશાલ નામના એક શખસે પૈસાની માંગણી કરતા લારીવાળાએ પોતે પોલીસ હોવાનુ કહેતા ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી. બાદમાં વિશાલે પીઆઇને ફોન કરતા પોલીસ સ્ટેશનના વહિવટદાર અને પીઆઇ દોડી આવ્યા હતા. ઉશ્કેરાઇ ગયેલા પીઆઇ અને તેમના બે વહિવટદારોએ લારીવાળા એએસઆઇને માર માર્યો હતો.સામે એએસઆઈએ પણ પીઆઈને મૂક્કો મારતાં અફરાતફરી મચી ગઈ હતી. આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સમાધાન થઈ ગયું હતું.

   શહેરના જમાલપુર વિસ્તારમાં દાહોદમાં એએસઆઇ તરીકે નોકરી કરનાર મૂળજીભાઇ માણસો રાખી શાકભાજીની લારીઓ રાખી વેપાર કરે છે. શનિવારે મોડી સાજે મૂળજીભાઇ તેમની લારી પર હાજર હતા. દરમિયાનમાં વિશાલ નામનો શખસ આવ્યો હતો. જેણે લારી ઉભી રાખી હતી તે બાબતના પૈસાની માંગણી કરી હતી.મૂળજીભાઇએ ખુદ પોલીસમાં હોવાનુ જણાવતા વિશાલે કહ્યુ તો શું થયું પૈસા તો આપવા પડે. બંને વચ્ચે બોલાચાલી થઇ અને ઝપાઝપી થઇ હતી.ઉશ્કેરાયેલા વિશાલે ફોન કરતા હવેલી પીઆઇ અને કહેવાતો વહિવટદાર જીગ્નેશ દોડી આવ્યો હતો.

  પીઆઇએ આવતાની સાથે વિશાલે વાત કરતા મૂળજીભાઇને લાફો મારી દીધો હતો.એએસઆઇએ પણ સામે પીઆઇને મૂક્કો મારી દીધો હતો. બંને વચ્ચે ઝપાઝપી થતાં જીગ્નેશ અને વિશાલ પણ મારામારી કરવા લાગ્યા હતા. મૂળજીભાઇના કપડા ફાડી નાખ્યા હતા બાદમાં લોકો ભેગા થતા પોલીસકર્મીઓ શાંત પડી ગયા હતા.મૂળજીભાઇને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા અને તેમણે પણ એએસઆઇ હોવાનુ જણાવી પીઆઇ અને તેમના પ્રાઇવેટ તથા પોલીસના માણસો સામે ફરિયાદ કરવાનુ કહ્યું હતુ. આખરે સમજાવી બુજાવી મામલો થાળે પાડયો હતો. જોકે આ ઘટના ડીસીપ ઝોન-૩ને થતાં તેમણે તપાસનો દોર આરંભી દીધો છે.

(10:16 pm IST)