Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૨૨૧૧ હત્યાના બનાવઃ ૨૨૧પ હત્‍યાના પ્રયાસના ગુનાઃ ૧૨૭પ૮ લોકોઅે આત્મહત્યા કરીઃ વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમ્‍યાન જવાબ રજુ

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન ૨૨૧૧ની હત્‍યા થઇ છે જ્યારે ૨૨૧પ હત્‍યાના પ્રયાસના ગુના તેમજ ૧૨૭પ૮ લોકોઅે આત્મહત્યા કરી હોવાનું વિધાનસભાના પ્રશ્નોતરી કાળમાં રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજ્યમાં હત્યા, આત્મહત્યાના બનાવો અંગે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારે સ્વીકાર્યું હતું કે રાજ્યમાં દરરોજ ત્રણ હત્યા, તેમજ ત્રણ હત્યાના પ્રયાસોના બનાવ બને છે.

સરકારના આંકડા પ્રમાણે રાજ્યમાં દરરોજ ત્રણ હત્યા, ત્રણ હત્યાના પ્રયાસના બનાવ બને છે, તેમજ દરરોજ 18 લોકો આત્મહત્યા કરે છે. છેલ્લા બે વર્ષમાં 2,211 હત્યા થઈ હતી. આ ઉપરાંત હત્યાના પ્રયાસના 2,215 ગુના નોંધાયા હતા. આત્મહત્યાની વાત કરીએ તો બે વર્ષમાં રાજ્યમાં 12,758 લોકોએ આત્મહત્યા કરી હતી.

શહેર પ્રમાણે હત્યાના આંકડા પર નજર કરીએ તો છેલ્લા બે વર્ષમાં સુરત શહેરમાં 267 હત્યા થઈ હતી, તેમજ 218 જીવલેણ હુમલા થયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં 241 હત્યાના બનાવ તેમજ 395 જીવલેણ હુમલાના બનાવ નોંધાયા હતા.

બુધવારે સરકારે વિધાનસભામાં દારૂ અંગે જે આંકડા રજૂ કર્યા હતા તે ખરેખર ચોંકાવનારા છે. સરકારે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં પકડાયેલા દેશી તેમજ વિદેશી દારૂની માહિતી આપી હતી. સરકારના આંકડા પ્રમાણે છેલ્લા વર્ષમાં 147 કરોડ 78 લાખ 70 હજાર 614નો દારૂ પકડાયો હતો. બે વર્ષ દરમિયાન દારૂની હેરાફેરીમાં 16, 033 વાહનો ઝપ્ત કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં માહિતી ખાતા દ્વારા સરકારી ઉત્સવ અને કાર્યકમ તેમજ વિવિધ યોજનાઓ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો? જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, સરકારી ઉત્સવો પાછળ કોઈ ખર્ચ કરવામાં નથી આવ્યો. સરકારના કાર્યક્રમો અને યોજના પાછળ વર્ષ 2016માં 38 જાહેરાત પાછળ 17.80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. જ્યારે 2017માં 26 જાહેરાતો પાછળ 19.59 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

(7:46 pm IST)