Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ઉમરેઠના વણસોલમાં બે શિક્ષકો વચ્ચે મારામારીની ઘટનાથી ગામમાં ભારે ચકચાર

આણંદ:જિલ્લાના ઉમરેઠ તાલુકાના વણસોલ તાબે આવેલ આબુ તળાવની પ્રાથમિક શાળામાં તાજેતરમાં શાળા સમય દરમ્યાન બે શિક્ષકો વચ્ચે થયેલ મારામારીની ઘટનાએ નાનકડા ગામમાં ભારે ચકચાર જગાવી હતી. બનાવ અંગે આબુ તળાવના ગ્રામજનો દ્વારા ગઈકાલે .શિક્ષકના શાળામાં પ્રવેશ અંગે બંધી કરીને સમગ્ર મામલે શિક્ષણ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેને લઈને પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આજે જાત તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુમાં મળતી વિગતો મુજબ ઉમરેઠ તાલુકાના વણસોલ તાબે આવેલ આબુ તળાવ પ્રાથમિક શાળામાં ગત તા.૧૬ માર્ચના રોજ શાળા સમય દરમ્યાન બપોર બાદ એક શિક્ષિકા પરવાનગી વિના ઘરે કેમ ગયા તે બાબતે શાળાના .શિક્ષક નરેન્દ્રભાઈ છાસટીયાએ સ્ટાફના અન્ય શિક્ષક મિતુલ પટેલ ઉપર હુમલો કર્યો હતો. શાળાના પટાંગણમાં બંને શિક્ષકો વચ્ચે મારામારી થતાં વિદ્યાર્થીઓ સહિત અન્ય શિક્ષકોમાં પણ ભયની લાગણી વ્યાપી ગઈ હતી. દરમ્યાન મામલો ભાલેજ પોલીસ દફતરે પહોંચ્યા બાદ અંગે સમાધાન થયું હતું. જો કે નરેન્દ્રભાઈ છાસટીયા દ્વારા મારામારીના બનાવ અંગે શાળાના વિદ્યાર્થીઓ કશુ જાણતા હોવા અંગે દબાણ કરવામાં આવતા વાલીઓમાં ઉગ્ર રોષ વ્યાપ્યો હતો. દરમ્યાન ગઈકાલે વાલીઓ સહિતના ગ્રામજનોએ શાળાના મુખ્ય દરવાજા ખાતે પહોંચીને નરેન્દ્રભાઈના શાળા પ્રવેશ ઉપર પાબંધી લાદી દીધી હતી. ઉપરાંત નરેન્દ્રભાઈનો હુરીયો બોલાવી તેમનો સખત વિરોધ કર્યો હતો. શાળાના જાગૃત વાલીઓના જણાવ્યા મુજબ નરેન્દ્રભાઈએ ચાલુ શાળા દરમ્યાન મિતુલભાઈ પર હુમલો કર્યો હતો અને પોતાની વગનો ઉપયોગ કરી મામલે સમાધાન પણ કરાવ્યું હતું. જો કે બાળકો ઉપર દબાણ કરતા બાળકો ડરી ગયા છે અને હવે શાળાએ જતા ગભરાય છે. જેથી શિક્ષક વિરૃધ્ધ કાયદાકીય પગલાં લેવામાં નહી આવે ત્યાં સુધી તેઓને શાળામાં પ્રવેશ કરવા દેવામાં નહી આવે તેમ જણાવી વાલીઓ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.

(6:26 pm IST)