Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની હવા સૌથી શુદ્ધ: બીજા સ્થાને આણંદ જિલ્લો : એર કવોલિટી ઈન્ડેક્ષમાં ખુલાસો

અમદાવાદ , ખેડા, સુરત અને ભરૂચમાં વાયુ પ્રદુષણ વધુ :પાટણ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં હવાનું પ્રદૂષણ આરોગ્ય માટે સ્વીકાર્ય સ્તરે

અમદાવાદ : કોરોના સંક્રમણે ભલે આર્થિક મંદી ઉભી કરી હોય. પરંતુ લોકડાઉન સમયે રસ્તાઓ ઉપરથી વાહનો અદશ્ય થઈ જતાં હવામાં પ્રદૂષણ ઘટ્યું હતું અને હવામાન આરોગ્યપ્રદ બન્યું હતું. હવામાં પોલ્યુશનનું પ્રમાણ જાણવા માટે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા એર કવોલિટી ઈન્ડેક્ષ તૈયાર કરવામાં આવે છે. આ ઈન્ડેક્ષનો આંકડો જેટલો ઉંચો હોય તેટલું વાયુ પ્રદુષણ વધુ હોય છે

તાજેતરમાં જ પ્રસિદ્ધ એર કવોલિટી ઈન્ડેક્ષ અનુસાર રાજ્યમાં માત્ર બે જ જિલ્લા એવા છે કે જયાં ઈન્ડેક્ષ બિલકુલ સંતોષજનક છે. રાજ્યમાં સૌથી શુદ્ધ હવા બનાસકાંઠા જિલ્લાના વતનીઓનાં ફેંફસાંને મળી રહી છે. કારણ કે આ જિલ્લામાં એર કવોલિટી ઈન્ડેક્ષ માત્ર 29 છે અને બીજા ક્રમે રહેલા આણંદ જિલ્લામાં આ ઈન્ડેક્ષ 29 છે.

જ્યારે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં હવામાં રહેલું પ્રદૂષણ આરોગ્ય માટે સ્વીકાર્ય હોવાનું આ ઈન્ડેક્ષમાં સ્વીકારાયું છે.

પાટણ જિલ્લામાં એ કવોલિટી ઈન્ડેક્ષ 53, મહેસાણા જિલ્લામાં 72, અરવલ્લી જિલ્લામાં 92 અને સાબરકાંઠા જિલ્લામાં 56 છે. અરવલ્લી જિલ્લામાં 92નો ઈન્ડેક્ષ ધીમે પગલે 101ના આંક તરફ વધી રહ્યો છે. 101થી 150 વચ્ચેનો ઈન્ડેક્ષ હોય તો વાયુનું પ્રદૂષણ નુકસાન કરનાર છે અને તે વિસ્તારમાં રહેતા રહીશો ફેંફસામાં બિન આરોગ્યપ્રદ હવા ભરી રહ્યા છે. એર પોલ્યુશન અનેક બિમારીઓને નિમંત્રણ આપે છે.

 

અમદાવાદમાં 112, ખેડા 138, સુરત 189, ભરૂચ 182, આણંદ 34, બનાસકાંઠા 29, પાટણ 53, મહેસાણા 72, અરવલ્લી 92 અને સાબરકાંઠા 56નો સમાવેશ થાય છે.

(10:42 pm IST)