Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

મનપા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકુટ

કુબેરનગર, નરોડામાં બંને પક્ષોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ : ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ થયું હોવાના અહેવાલ, ઘણી જગ્યાએ ઇવીએમ ખોટવાયા

અમદાવાદ, તા. ૨૧ : આજે સવારથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઇને મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. મતદાનને લઇને શહેરીજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મતદાન દરમિયાન ઘણી જગ્યાએ ઇવીએમ ખોટવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના કુબેરનગર, નરોડામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઇ હતી. ઘટનાની વિગત એવી છે કે નરોડાના હસપુરા ગામના બુથમાં એક વ્યક્તિ આઇકાર્ડ વિના સવારથી લઇને ઇવીએમની બાજુમાં બેઠો હતો. જેને લઇને સ્થાનિક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ પોલીસ અને ચૂંટણી અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. આ વ્યક્તિએ જણાવ્યું હતું કે મારી નિમણૂંક કરવામાં આવી છે પરંતુ મને હજુ સુધી આઇકાર્ડ મળ્યું નથી. ત્યારબાદ ચૂંટણી અધિકારી દ્વારા આઇકાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું અને મામલો શાંત પાડવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

જોકે જેને લઇને બુથની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે અને સ્થાનિક લોકોએ બોગસ વોટીંગના આક્ષેપ કર્યા હતા. આ તરફ વસ્ત્રાલમાં કોંગ્રેસના ઉમેદવાર આશિષ પટેલે ઇવીએમ સામે વાંધો ઉઠાવ્યો હતો. તો આ તરફ  મેઘાણીનગરમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં પોલીસ કાફલો ઉતારવાઆં આવ્યો હતો. આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી પર મતદાન મથકે દોડી આવ્યા હતા.

શહેરમાં વધુ એક કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી બનાવ કુબેરનગરના વોર્ડમાં સર્જાયો હતો. કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરના કાર્યકતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે આક્ષેપ કર્યો હતો કે કુબેરનગર વોર્ડમાં સારી રીતે મોટાપાયે ઉત્સાહપૂર્વક મતદાન થઇ રહ્યું છે પરંતુ ભાજપ દ્રારા માહોલ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભાજપ ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જેને લઇને માહોલ ગરમાયો હતો અને ચુસ્ત પોલીસ બંદોસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો. જોકે હાલ શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. તો આ તરફ પાલડી વોર્ડમાં મતદાર અને ચૂંટણી અધિકારી માથાકૂટ થતાં બે મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

(9:15 pm IST)