Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

વડોદરામાં કપલે બેંકોને ૭.૫ કરોડનો ચુનો લગાવ્યો

પોલીસે ફરિયાદ નોધી શરું કરી તપાસ : બે-બે બેંકો સાથે ઠગાઈ, ખોટા ડોક્યુમેન્ટ પર ૭.૫ કરોડની લોન લઈને વ્યાજ સહિત ૧૧.૪૨ કરોડોનો ચૂનો ચોપડ્યો

વડોદરા, તા. ૨૧ : સયાજીગંજ ફોનિક્સ કોમલેક્સ સ્થિત એક્સેલ ઈલેક્ટ્રિક પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર દંપતીએ બેંકના બનાવટી એનઓસીના આધારે બંધન બેંકમાંથી ૭.૫૦ કરોડની લોન મેળવી વ્યાજ સહિત ૧૧.૪૨ કરોડની છેતરપિંડી આચરતાં બંધન બેંકના ક્લસ્ટર હેડે સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

બંધન બેંકના ક્લસ્ટર હેડ મુકીમ અબ્દુલ્લા કાઝી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ૨૦૧૬ દરમિયાન સયાજીગંજ ફોનિક્સ કોમ્પ્લેક્સમાં આવેલી એક્સેલ ઈલેક્ટ્રિકના પ્રોપરાઇટર પ્રકાશ પ્રદ્યુમન દવે, તેમનાં પત્ની ઉલ્પા પ્રકાશ દવેએ ઓપી રોડ સ્થિત બંધન બેંકની શાખાનો સંપર્ક સાધી બિઝનેસ હેતુ સીસી લોનની માગ કરી હતી. આ લોન માટે તેમને બેંક ઓફ બરોડોમાં ચાલતી તેમની સીસી લોન માટે એનઓસી લઈ આવવાનું કહેવામાં આવ્યું હતું. જે તેણે આજકાલ કરતા એક વર્ષ પછી સબમિટ કર્યું હતું.

જોકે આ દરમિયાન લોન માટે બેંકના અધિકારીઓ અને પ્રકાશ વચ્ચે અનેક બેઠકો યોજાઈ હતી. લોન માટે કરેલી અરજી અને ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા બાદ કલકત્તાથી બેંકના અધિકારીઓ આવ્યા હતા અને તેમણે પ્રકાશની કંપની મે. એક્સેલ ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિ. ની ઓફિસ અને પ્લાન્ટની મુલાકાત લીધી હતી. બેંક મેનજરે પણ પ્રોજેક્ટ સાઈટ અને પ્લાન્ટ વિઝિટ કરી કાગળો સીસી લોન માટે કોલકતા મોકલ્યા હતા. જ્યાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ ૭.૫૦ કરોડની સીસી લોન સેક્શન થઈ હતી.

જે બાદ ડિસેમ્બર ૨૦૧૬માં બેંકે પ્રકાશને સીલી લોન તરીકે ૪ કરોડ રુપિયાની લોન આપી હતી. તેમજ રુ. ૧ કરોડ ઓવર ડ્રાફ્ટ તરીકે આપ્યા હતા હતા અને અઢી કરોડ ટર્મ લોન તરીકે મંજૂર કર્યા હતા. બેંકના નિયમ અનુસાર રુપિયા ઉપાડતા પહેલા પ્રકાશને બેંક ઓફ બરોડામાં ચાલતી સીસી લોન અંગે તે બેંકનું એનઓસી મેળવીને જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. જે તેણે સબમિટ પણ કર્યું હતું.

આ તરફ પ્રકાશે ધીરે ધીરે નાણાં ચેક અને ઓનલાઈન માધ્યમથી ઉપાડી લીધા હતા. બેંક દ્વારા સેક્શન કરાયેલા ૭.૫૦ કરોડ ઉપાડી લીધા ત્યાં સુધી એટલે કે ડિસેમ્બર ૨૦૧૭ સુધી પ્રકાશ બરાબર વ્યાજ ભરતો હતો. પરંતુ પચી કપલે અચાનક જ હપ્તા ભરવાનું બંધ કરી દીધું. જેથી જ્યારે બંધન બેંકે એનઓસી અંગે બેંક ઓપ બરોડોમાં તપાસ કરી તો ખબર પડી કે બેંકે તો તેમને કોઈ આવો લેટર આપ્યો જ નથી અને બેંકો ઓફ બરોડા દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી કે પ્રકાશ અને તેની પત્નીએ લોનના હપ્તા પણ ઘણા સમયથી ભર્યા નથી. હકીકતમાં પ્રકાશ અને પત્નીએ લોનનું ક્લોઝર સર્ટિફિકેટ કે એનઓસી ડુપ્લિકેટ બનાવી બેંકને વિશ્વાસમાં લઇ મુદ્દલ ૭.૫૦ કરોડ અને વ્યાજ સાથે ૧૧.૪૨ કરોડ ભરપાઈ ન કરી છેતરપિંડી આચરી હતી. પોલીસે પ્રકાશ પ્રદ્યુમન દવે અને તેની પત્ની ઉલપા પ્રકાશ દવે વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ ફરિયાદમાં તેમની સામે છેતરપિંડી, અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનાહિત કાવતરાની કલમો દાખલ કરવામાં આવી છે.

(8:15 pm IST)