Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

સાંસદ રંજનબહેન મતદાન બૂથમાં પ્રવેશતા વિવાદ થયો

પ્રવેશતાની સાથે જાગૃત મતદારોએ વિરોધ કર્યો હતો : સાંસદ ભટ્ટ આઈકાર્ડ વગર જ મતદાન બૂથમાં પ્રવેશી ગયાનો આક્ષેપ, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

વડોદરા, તા. ૨૧ : આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન સાંસદ રંજનબહેન મતદાન બૂથમાં પ્રવેશતા વિવાદ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ સાંસદ રંજનબેન ભટ્ટ મતદાન પ્રક્રિયા દરમિયાન આઈ-કાર્ડ વગર બુથમાં પ્રવેશવાનો આક્ષેપ કરતા એક વ્યક્તિએ વિડીયો બનાવી વિરોધ કર્યો હતો અને બુથ પરના અધિકારીઓને તેમને બુથમાંથી બહાર જવા માટે કહેવાનું કહ્યું હતું. વ્યક્તિ કરી રહેલા વિરોધનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ વડોદરા જિલ્લાના સાંસદ રંજનબેન ભટ્ટ શહેરની નુતન સ્કૂલનાં બુથમાં પ્રવેશ્યા હતા. સાંસદનાં પ્રવેશતાની સાથે જ જાગૃત મતદારોએ વિરોધ કર્યો હતો. એક જાગૃત નાગરિકે સાંસદનો વિરોધ કરતાં હોબાળો મચ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે, સાંસદ રંજનબહેન ભટ્ટા મતદાન મથક પર પહોંચે છે અને અંદર પ્રવેશતી વખતે એક વ્યક્તિ લાઈવ વિડીયોમાં તેમને કહે છે કે, બહેન તમે અંદર ન જઈ શકો અને પોલીસને પણ આ અંગે જાણ કરે છે. આ દરમિયાન રંજનબેહન મતદાન બૂથમાં પ્રવેશે છે ત્યારે વ્યક્તિ ચૂંટણી અધિકારીને વિનંતી કરીને રંજનબહેનને બહાર જવા માટે કહેવાનું કહે છે.

આઇકાર્ડ વિના મતદાન બુથમાં પ્રવેશ્યાનો આક્ષેપ કરતા આ નાગરિકે સાંસદને વિડીયોમાં કહ્યું હતું કે 'ઓ બેન અંદર ના જવાય તમારાથી, તમારા જોડે આઇકાર્ડ છે. અધિકારીઓ કોણ છે અહીંયા બહાર કાઢો એમને'

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ૧૯ વોર્ડની ૭૬ બેઠકો માટે સવારે ૭ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધીમાં ૧૯ ટકા મતદાન થયું છે. વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો, શહેર પ્રમુખ વિજય શાહ સહિત ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત સ્વામીનારાયણ મંદિરના સંતોએ આજે વહેલી સવારે મતદાન કર્યું હતું.

(8:12 pm IST)