Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 2015 કરતા કરતા 2021માં સૌથી ઓછુ મતદાન : અનેકવિધ અટકળ

અમદાવાદમાં ગત વખત કરતા 8.7 ટકા ઓછુ મતદાન: સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ મતદાન ઘટ્યું

અમદાવાદ : રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. 23 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. 2015 કરતા 2021માં ઓછુ મતદાન થયુ હતું. નીરસ મતદાનથી ઉમેદવારો ચિંતિંત બન્યા છે. રાજ્યમાં સરેરાશ 41 ટકા જેટલુ મતદાન નોંધાયુ હતું. આ વખતે જામનગરમાં સૌથી વધુ જ્યારે અમદાવાદમાં સૌથી ઓછુ મતદાન નોંધાયુ હતું. અમદાવાદમાં 2015માં 46.51 ટકા મતદાન થયુ હતું. જ્યારે 2021માં તેના કરતા ઓછુ 37.81 ટકા મતદાન થયુ છે. આ રીતે અમદાવાદમાં ગત વખત કરતા 8.7 ટકા ઓછુ મતદાન થયુ છે

રાજકોટમાં 45.71 ટકા મતદાન થયુ હતું. 2015માં રાજકોટમાં 49.72 ટકા મતદાન નોંધાયુ હતું. સુરતમાં 42.11 ટકા મતદાન થયુ હતું, સુરતમાં 2015માં 39.63 ટકા મતદાન થયુ હતું. ભાવનગરમાં 43.66 ટકા મતદાન યોજાયુ હતું, ભાવનગરમાં 2015માં 47.45 ટકા મતદાન થયુ હતું

વડોદરામાં 2015માં 48.71 ટકા મતદાન થયુ હતું જ્યારે 2021માં 42.84 ટકા જ મતદાન યોજાયુ છે. જામનગરમાં આ વખતે 49.64 ટકા મતદાન નોંધાયુ છે, જે 6 મહાનગર પાલિકામાં સૌથી વધુ છે. જામનગરમાં 2015માં પણ 56.76 ટકા મતદાન નોંધાયુ હતું.

  કોરોના મહામારીને કારણે માસ્ક ના પહેરવા બદલ લાખો રૂપિયાનો દંડ તંત્ર દ્વારા ઉઘરાવવામાં આવ્યો હતો. માસ્કના નામે તંત્ર દ્વારા 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો. દંડના નામે રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાથી મતદારો પરેશાન થયા હોય તેમ લાગી રહ્યુ છે. બીજી તરફ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની નજીક પહોચતા પણ મોંઘવારીનો માર પ્રજા પર પડ્યો છે. કોર્પોરેશન દ્વારા ખરાબ રસ્તા, ગટર અને પાણીની સમસ્યા જેમની તેમ છે અને ટ્રાફિકની સમસ્યા પણ વકરતી જઇ રહી છે. કોર્પોરેશન દ્વારા કોઇ કામ યોગ્ય રીતે ના થવાની બુમરાણ વચ્ચે પણ મતદારો પરેશાન થયા છે અને રાજકીય પક્ષોને પોતાના મત દ્વારા જવાબ આપી રહ્યા છે.

(8:01 pm IST)