Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

બેંકોમાં થતા સાઇબર ક્રાઇમને રોકવા બેંકર્સો સાથે ડી.એલ.સી.સી.ની બેઠક મળી

સાઇબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ લાવવા જણાવતા વલસાડ કલેક્‍ટર આર.આર.રાવલ

( કાર્તિક બાવીસી દ્વારા ) વલસાડ:  કોરોના કાળ બાદ વધી રહેલા સાઇબર ક્રાઇમને રોકવા રાજ્‍ય સરકાર દ્વારા સાઇબર આશ્વસ્‍ત કાર્યરત છે. ત્‍યારે બેંકોમાં થતા સાઇબર ક્રાઇમને રોકવા માટે સમયસરના પગલાં લેવા અંગે જિલ્લાની બેંકોના અધિકારીઓ સાથે જિલ્લા કલેક્‍ટર આર. આર. રાવલની અધ્‍યક્ષતામાં કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક મળી હતી.

 

આ અવસરે કલેક્‍ટર રાવલે જણાવ્‍યું હતું કે, ડીજીટલ પેમેન્‍ટનું ચલણ વધતાંની સાથે સાઇબર ક્રાઇમ પણ વધ્‍યા છે, ત્‍યારે આવા સાઇબર ક્રાઇમ બાબતે લોકોમાં જાગૃતિ આવે અને પૂરતી જાણકારી મળે તે માટે સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજવા જોઇએ. લોકોના નાણાંની સલામતી મજબુત બનાવવા, સાઇબર ક્રાઇમ અંગેની જરૂરી વિગતો સમયસર પૂરી પાડવા તેમજ બેંકોમાં કોવિદ-૧૯ના નિયમોનું સતત પાલન કરવા ઉપરાંત સીનિયર સીટીઝનોને આત્‍મસંતોષ મળે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા પણ જણાવ્‍યું હતું.
   પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલાએ જણાવ્‍યું હતું કે, બેન્‍ક એકાઉન્‍ટ અને વોલેટ અંગેની વિગતો જો ઝડપથી મળે તો પોલીસને ગુનો ઉકેલવા વધુ સરળતા રહે છે, જે ધ્‍યાને રાખી જ્‍યારે પણ સાઇબર ક્રાઇમની ઘટના બને ત્‍યારે બને તેટલી ઝડપથી તેની વિગતો પોલીસને પૂરી પાડવી જોઇએ, જેથી કરીને સાઇબર ક્રાઇમ સામે લડત આપી શકાય. એટીએમમાં તાલીમબધ્‍ધ ચોકીદાર રાખવાની સાથે ત્‍યાં લગાવેલા સીસીટીવી કેમેરા અત્‍યાધુનિક અને સેન્‍ટ્રલાઇઝ સીસ્‍ટમથી મોનિટરિંગ થાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા ઉપરાંત સાઇબર ક્રાઇમ અંગેની વિગતો વધુ સરળતાની મળે તે માટે નોડલ અધિકારીની નિમણૂક કરવા પણ જણાવ્‍યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, આર.બી.આઇ.ના મેનેજર શૈલેન્‍દ્ર ગુપ્‍તા, લીડ ડિસ્‍ટ્રિકટ મેનેજર સહિત વિવિધ બેંકોના અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

(7:38 pm IST)