Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

કલોલમાં ભાજપના પ્રવેશ પર પ્રતિબંધ :દલિત સમાજના લોકોમાં રોષ :ઠેર ઠેર બેનરો લટકાવ્યા

ડૉ બાબા સાહેબ આંબેડકરનુ નામ રાષ્ટ્રીય નેતાની યાદીમાં સામેલ ન હોવાથી અનુ.જાતિ સમાજમાં ભારો ભાર રોષ

અમદાવાદ : ગુજરાતની છ મહાનગરપાલિકાની આજે ચુંટણી હતી. આ ચૂંટણીમાં લોકોએ પોતાનો જુદી જુદી રીતે વિરોધ પ્રગટ કર્યો હતો. કોઇએ મત નહીં આપીને વિરોધ વ્યકત કર્યો હતો. તો ઘણાં ખરાએ નોટાનું બટન દબાવીને ઉમેદવારોનો વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ કલોલમાં દલિત સમાજના લોકોએ ભાજપના પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતાં બેનરો સોસાયટીના પ્રવેશ દ્વારા પર લગાવ્યા હતા. તેની પાછળનું કારણ એવું છે કે દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની છબી રાજયની સરકારી કચેરીઓમાં મૂકવાની માંગ સરકારે નકારી કાઢી હતી. જેથી દલિત અધિકાર મંચ દ્વારા સરકાર વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું

ડો. બાબા સાહેબ આંબેડકરની છબી દરેક સરકારી કચેરીમાં મુકવા રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી હતી. તેના પર કોઈ કાર્યવાહી કરવાને બદલે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જવાબમાં ઠરાવ મોકલી આપ્યો હતો. જેમાં ડૉ બાબા સાહેબ આંબેડકરનુ નામ રાષ્ટ્રીય નેતાની યાદીમાં સામેલ ન હોવાથી અનુ.જાતિ સમાજમાં ભારો ભાર રોષ જોવા મળ્યો હતો.

આ અંગે કાર્યવાહી માટે દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ, કાન્તિલાલ પરમાર સહિતના રાજ્યભરના જુદા જુદા સંગઠનો તેમ જ કર્મશીલો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવાની ઝુંબેશ ચલાવી હતી. આ ઉપરાંત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા સહિત અનેક મંત્રીઓ અને ધારાસભ્યોને રજૂઆત કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેને લઈને મંત્રીઓ અને ધારાસભ્યોએ પણ ડૉ બાબા સાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતાની સૂચિમાં સમાવેશ કરવા ભલામણ અને કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્રો લખ્યા હતા.

સામાન્ય વહિવટ વિભાગના સેકશન અધિકારીએ 21/1/2021 ના રોજ દલિત અધિકાર મંચને જવાબ પાઠવ્યો કે ગુજરાત રાજ્યની સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય નેતાઓની છબીઓ પ્રદર્શિત કરવા અંગે 28/6/1996ના ઠરાવમાં સુધારો કરીને રાષ્ટ્રીય નેતાની યાદીમાં બંધારણના ઘડવૈયા “ ડૉ બાબા સાહેબ આંબેડકર ” ને સ્થાન આપવા બાબતે રજૂઆત કરી હતી. પરંતુ સરકાર દ્વારા સક્રિય વિચારણાના અંતે સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય નેતાની છબીઓ પ્રદર્શિત કરવા અંગેની પ્રવર્તમાન સૂચનાઓ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવેલ હોવાથી આપની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવતી નથી.

ગુજરાત સરકારના નિર્ણય સામે નારાજગી દર્શાવતાં દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડે અગાઉ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે અમે સરકારી નિર્ણયનો સખત વિરોધ કરીએ છીએ. અને આગામી દિવસોમાં આ બાબતે ડો. બાબા સાહેબનું અપમાન સાંખી નહીં લેવાય, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં પણ દલિત સંગઠનો ભાજપ સરકારને મત નહીનું અભિયાન જાહેર કર્યું હતું. દલિત સમાજ અડીખમ અને મક્કમતાથી ભાજપ સરકારના નિર્ણયને વખોડી કાઢી ડૉ બાબા સાહેબ આંબેડકરના અપમાનને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મતની તાકાતથી જરૂર પરચો બતાવશે તેવી અગાઉ જાહેરાત કરી હતી

(7:18 pm IST)