Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

મનપા ચૂંટણીમાં ઓછા મતદાનથી રાજકીય પાર્ટીઓની ચિંતા વધારી : છેલ્લી કલાકોએ કાર્યકર્તાઓને દોડાવ્યાં

રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાનમાં મતદારોની ઉદાસિનતા

અમદાવાદ: ગુજરાતમાં આજે અમદાવાદ સહિત રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા મતદાનમાં મતદારોની ઉદાસિનતા જોવા મળી છે. બપોરે 4 વાગ્યા સુધી તમામ મહાનગર પાલિકામાં સરેરાશ 30 ટકા જેટલું નીચુ મતદાન થતાં રાજકીય પાર્ટીઓની ઊંઘ ઉડી ગઈ છે. તમામ પાર્ટીઓએ મતદાનમાં વધારો કરાવવા માટે પોતાના કાર્યકર્તાઓને છેલ્લી ઘડીએ દોડતા કરી દીધા છે.

જો અમદાવાદની વાત કરીએ તો, શહેરના પૂર્વ વિસ્તારમાં મતદાન પ્રત્યે લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારમાં નિરસ મતદાન જોવા મળ્યું છે. અમદાવાદમાં સાંજે 4 વાગ્યા સુધી સૌથી ઓછું 30.34 ટકા મતદાન નોંધાયું છે. એમાં પણ ખાસ કરીને શહેરના બોડકદેવ, ઘાટલોડિયા, થલતેજ જેવા પશ્ચિમના વિસ્તારો કે જે ભાજપનો ગઢ ગણાય છે, ત્યાં સૌથી ઓછુ મતદાન નોંધાયું છે. ચૂંટણી વિભાગના અત્યારના આંકડા પ્રમાણે, ઓઢવ વોર્ડમાં સૌથી વધુ 37 ટકા, જ્યારે નવરંગપુરામાં સૌથી ઓછું 20.92 ટકા મતદાન નોંધાયું છે.

અમદાવાદમાં ઓછા મતદાન અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને વાકેફ કરવામાં આવ્યા છે. આ સિવાય સ્થાનિક ધારાસભ્યો, સાંસદો તેમને વોર્ડ પ્રમુખોને હાઈકમાન્ડ તરફથી વધુમાં વધુ મતદાન કરાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.

 

બીજી તરફ આમ આદમીના પ્રવક્તાના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા થકી લોકોને મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે. આ સિવાય આપ નેતા, પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ વીડિયો બનાવીને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યાં છે. જ્યારે AIMIMના જણાવ્યા મુજબ, તેમના કાર્યકર્તાઓ પણ ડોર ટૂ ડોર જઈને મત આપવા માટે અપીલ કરી રહ્યાં છે. 

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક કાર્યકર્તાને વિનંતી કરવામાં આવી છે કે, તમામ વોર્ડમાં બોગસ વોટિંગ ના થાય, તે માટે જે-તે કોંગ્રેસ કાર્યકર્તાએ 4 થી 6 દરમિયાન સતર્ક રહે. આ સિવાય ઓછા મતદાન અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, અમારી પાર્ટી દરેક વોર્ડના 4 ભાગ કર્યા છે. જે સોસાયટીમાં મતદાન ના થયું હોય, ત્યાં કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને લોકોને મત આપવા માટે સમજાવી રહ્યાં છે.

(5:52 pm IST)