Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

અમદાવાદમાં ઓછા મતદાને ભાજપની ચિંતા વધારી : વધારે વૉટિંગ કરાવવા હાઈકમાન્ડ દ્વારા કરાયો આદેશ

સાંસદો, ધારાસભ્યો અને કાર્યકર્તાઓને વૉટિંગ વધારવા જવાબદારી સોંપાઈ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. અમદાવાદમાં 2 વાગ્યા સુધી સરેરાશ 20 ટકા જેટલું નીચું મતદાન નોંધાયું છે. અમદાવાદમાં નિરશ મતદાનથી ભાજપની મુશ્કેલી વધી શકે છે.આથી ભારતીય જનતા પાર્ટીએ કાર્યકરોને એક્ટિવ કર્યા છે અને મતદાન વધે તે માટે તમામ આગેવાનોને સૂચના આપવામાં આવી છે. ભાજપે વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓને વધુ મતદાન કરાવવા માટે સૂચના આપવામાં આવી છે

અમદાવાદ મનપા ચૂંટણીમાં ઓછા મતદાન અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને માહિતગાર કરવામાં આવ્યા છે. આ સિવાય સ્થાનિક ધારાસભ્યો, સાંસદો તેમને વોર્ડ પ્રમુખોને હાઈકમાન્ડ તરફથી વધુમાં વધુ મતદાન કરાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મજબ, કોરોના સંક્રમણની દહેશત વચ્ચે ગુજરાતમાં આ સૌથી મોટી ચૂંટણી યોજાવા જઈ રહી છે. કોરોના સંક્રમણના ડરથી પણ લોકો મત આપવા માટે ઓછા આવી રહ્યાં છે. હાલ બપોરે 2 વાગ્યા સુધી અમદાવાદમાં સરેરાશ 20 ટકા જેટલું જ મતદાન થયું છે. એમાંય પૂર્વ વિસ્તારોમાં મતદાન મથકો પર મતદાતાઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. બીજી તરફ ભાજપના ગઢ ગણાતા પશ્ચિમ વિસ્તારોમાં આવેલા પોલિંગ બૂથોમાં મતદાતાઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.

પશ્ચિમ વિસ્તારમાં ઓછા મતદાનથી ભાજપના નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે. અમદાવાદ શહેર ભાજપ પ્રભારી આઈ કે જાડેજાની સૂચના પ્રમાણે, ભાજપના ધારાસભ્યો અને સાંસદોને મતદાન વધારવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આ સિવાય જે બૂથો પર મતદાન ઓછુ થઈ રહ્યું છે, ત્યાં મતદાન વધે તે માટે કાર્યકર્તાઓને એક્ટિવ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. જેમાંથી 96 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ તમામ બેઠકો પરના ઉમેદવારનું ભાવિ આજે દિવસના અંતે EVMમાં કેદ થઈ જશે.

(4:56 pm IST)