Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

અમદાવાદમાં બોગસ વોટિંગ અને મતદારો સાથે ધાકધમકીની ફરિયાદ : નવરંગપુરા અને વટવા વોર્ડમાં ગેરરીતિની ઘટના

મહિલાના નામે કોઇ અજાણી વ્યક્તિ વોટિંગ કરી ગઇ: વટવા વોર્ડ નંબર 47ના બૂથમાં માથાભારે તત્વોનો ત્રાસ: કયાંક બુથ બહાર ખુરસી નાંખી મતદારોને રોકતા હોવાની ફરિયાદ

અમદાવાદઃ રવિવારે અમદાવાદમાં બોગસ મતદાન અને મતદારોને ધાકધમકી આપી વોટિંગ કરતા રોકવાની ફરિયાદ નોંધાઇ છે. ગુજરાતના 6 શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશન માટે બહુ જ દીધું મતદાન થઇ રહ્યું છે. કોરોના અને રાજકીય પક્ષોના કાર્યકરોમાં નારાજગી આ ધીમું ઉજાગર કરી રહ્યું હોવાનું ફલિત થાય છે.

નવરંગપુરા વિસ્તારમાં પંકજ વિદ્યાલય ખાતે એ મહિલા મતદાન કરવા આવી ત્યારે તેને ખબર પડી કે તેનો વોટ  તો બીજું કોઇ આવીને નાંખી ગયો.

વોર્ડ નંબર 18ના પંકજ વિદ્યાલયમાં સોલંકી લક્ષ્મીબેન પૂનમ ભાઇ નામની મહિલા વોટિંગ માટે પહોંચી હતી. તેનો મતદાન નંબર 503 છે. પરંતુ જ્યારે કાપલી લઇને તે બુથમાં ખરાઇ કરવા પહોંચી તો તેને કહેવામાં આવ્યું કે તમારો મત તો અપાઇ ચૂક્યો છે. આ સાંભળતા લક્ષ્મીબેન હેબતાઇ ગયા. તેણે ફરિયાદ કરી કે હજુ તો તે મતદાન માટે આવી છે. પરંતુ નિયમ મુજબ એક વખત મતદાન થઇ ગયું હોવાથી તેની ફરિયાદ સાંભળવામાં આવી નહીં.

અલબત્ત ફરજ પરના અધિકારીએ તેમને 5 નંબરનું ફોર્મ આપી ભરીને ફરિયાદ કરવાનું કહ્યું હતું. જેથી લક્ષ્મીબેને આ ફોર્મ ભરી પોતાના નામે થયેલા બોગસ મતદાન સામે વાંધો નોંધાવ્યો છે

અન્ય એક કિસ્સામાં વટવામાં વોર્ડ નંબર 47માં ધાકધમકી આપી મતદારોને રોકવામાં આવ્યાનું જણાયું છે. કોંગ્રેસની ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાબુભાઇ પટેલે ચૂંટણી અધિકારીને પત્ર લખી ફરિયાદ કરી છે કે વટવા વોર્ડ નંબર 47ના મતદાન બુથ 62થી 71માં બે માથાભારે શખસો મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરતા અટકાવી રહ્યા છે. તેમજ લોકોને મતદાર નહીં કરવા માટે ધમકાવી રહ્યા છે.

બાબુભાઇએ વધુમાં કહ્યું કે આ બુથ ચારમાળિયા પાકિસ્તાન તરીકે ઓળખાય છે અને નાસીકમુલ્લા તેમજ મુન્નાભાઇ નામના ઇસમો બુથ કેન્દ્રની બહાર ખુરસી નાંખી બેસી ગયા છે. તેઓ મતદારોને રોકતા હોવાથી તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. બાબુભાઇએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અને પોલીસ કમિશનર, શાહીબાગને પણ આ ફરિયાદની નકલ મોકલી છે

(4:55 pm IST)