Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

અમદાવાદના થલતેજમાં ઘોડી ચડીને અને અસારવામાં રજવાડી ઠાઠ સાથે ખુલ્લી જીપમાં વરરાજાએ મતદાન કર્યુ

લગ્ન કરવા જઇ રહેલા વરરાજા પણ પોતાનો મતાધિકારનો ધર્મ નિભાવવા ઘોડે ચઢ્યા પહેલા મતદાન કરવા પહોચ્યા

અમદાવાદ : રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. અમદાવાદમાં પણ સવારથી મતદારો મતદાન કરવા લાઇન લગાવી રહ્યા છે. અમદાવાદમાં લગ્ન કરવા જઇ રહેલા વરરાજા પણ પોતાનો મતાધિકારનો ધર્મ નિભાવવા ઘોડે ચઢ્યા પહેલા મતદાન કરવા પહોચ્યા હતા. શહેરના થલતેજમાં વરરાજા ઘોડી ચઢીને મતદાન કરવા પહોચ્યા હતા. જ્યારે અસારવા વોર્ડમાં રજવાડી ઠાઠ સાથે ખુલ્લી જીપમાં વરરાજા મતદાન કરવા માટે પહોચ્યા હતા

અમદાવાદના થલતેજ વિસ્તારમાં ધનરાજ બારોટ નામના યુવકના લગ્ન હતા. લગ્ન કરવા નીકળેલા વરરાજાએ લગ્ન પહેલા મતદાન કરવા ઘોડી પર ચઢ્યા હતા અને મતદાન કર્યા બાદ વાજતે ગાજતે થલતેજથી જાન લઇ હિંમતનગર રવાના થયા હતા. ધનરાજ બારોટના પેરેન્ટ્સ સહિત 50થી વધુ જાનૈયાઓએ થલતેજ વોર્ડમાં મતદાન કર્યુ હતું.

અસારવામાં પણ લગ્ન પહેલા વરરાજા રજવાડી ઠાઠમાં ખુલ્લી જીપમાં બેસીને તૈયાર થઇ મતદાન મથકે પહોચ્યા હતા. વરરાજાએ મતદાન કેન્દ્ર પર પહોચીને પરિવાર સાથે નોંધણી કરાવીને મતદાન કરાવ્યું હતું. ખોખરા વિસ્તારમાં પણ લગ્ન કરવા જાય એ પહેલા મતદાન કર્યુ હતું.

(4:46 pm IST)