Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

અમદાવાદના લાકડીના ટેકે ચાલતા વૃધ્‍ધ દંપતિએ મતદાન કરી રાષ્‍ટ્રીય ફરજ બજાવી

અમદાવાદમાં આજે ૧૦પ વર્ષના લક્ષ્‍મીબા રાવલ પણ મતદાન કરશે

અમદાવાદ : મહાનગરપાલિકાની ચૂંટણીમાં વહેલી સવારથી જ મતદારો મતદાન બૂથ પહોંચી રહ્યાં છે. ત્યારે સૌથી વધુ ઉત્સાહ વૃદ્ધ મતદારોમાં જોવા મળ્યો છે. વહેલી સવારે જ વૃદ્ધ મતદારો પહોંચી રહ્યાં છે. કેટલાક લાકડીના સહારે, તો કેટલાક વ્હીલચેરના સહારે મતદાન કરવા આવી રહ્યાં છે. ઉંમર થયા છતા તેમનામાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જૂની પેઢીમાં મતદાનનો ઉત્સાહ ગજબ હોય છે. તેનુ ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું. લોકશાહીના પર્વની ઉજવણી માટે સૌથી પહેલા વૃદ્ધ મતદારો બહાર નીકળ્યા છે. ચાલી નથી શક્તા, તકલીફ છે, સહારો લીધો છે છતાં અમદાવાદમાં વૃદ્ધ દંપતી મતદાન કરવા પહોંચ્યું હતું. 83 વર્ષના અંબાલાલ જાધવ અને 83 વર્ષીય તેમના ધર્મપત્ની નિર્મલાબેન જાધવ આજે લાકડીના ટેકે મતદાન કરવા પહોંચ્યા હતા. બંને બરોબર ચાલી શક્તા ન હતા, છતાં મતદાન માટે આવ્યા હતા. જોકે, મતદાન કરવા આવેલુ વૃદ્ધ દંપતી અટવાયુ હતું. આ વિશે અંબાલાલ જાધવે કહ્યું કે, ખૂલતા જ વોટ નાંખીશ તેવું વિચાર્યું હતું. આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ અમારી પાસે ન હતું.

અમદાવાદમાં આજે 105 વર્ષના લક્ષ્મીબા રાવળ પણ મતદાન કરશે. 105 વર્ષે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તૈયાર છે. ખાસ વાત તો એ છે કે, સતત 18 વર્ષથી તેઓ મતદાન કરી રહ્યાં છે. વિકાસ માટે, ગુજરાત અને દેશ માટે મતદાન કરવું જરૂરી છે. 105 વર્ષની ઉંમરે પણ લક્ષ્મીબાનો મતદાનનો જુસ્સો પ્રથમ વખત મતદાન કરનારને શરમાવે તેવો છે. 18 વર્ષની ઉંમરથી તેઓ ક્યારેય મતદાન કરવાનું ચૂકતા નથી. મહાનગરપાલિકા, વિધાનસભા કે લોકસભા ચૂંટણી કેમ ન હોય તમામમાં તેઓ મતદાન કરવા અચૂક જાય છે.

(11:25 am IST)