Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ગાંધીનગર નજીક પેથાપુરમાં સે-30માં સલામતી શાખાના કમાન્ડોએ આર્થિક સંકડામણથી કંટાળી ગોળીમારી આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો

ગાંધીનગર: શહેર નજીક પેથાપુરમાં રહેતા અને સલામતી શાખામાં ફરજ બજાવતાં પ૩ વર્ષીય કમાન્ડોએ આજે બપોરના સમયે સે-૩૦ પાસે કાર મુકીને છાતીના ભાગે પોતાની સર્વિસ રીવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. પીસીઆર વાનને આ સંદર્ભે જાણ થતાં ઉપરી અધિકારીઓને બનાવથી વાકેફ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમની પાસેથી મળેલ અંતિમ ચિઠ્ઠીના આધારે આર્થિક સંકડામણથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનું બહાર આવ્યું છે.

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મુળ ભાવનગરના રામધારીના વતની અને હાલ પેથાપુરમાં રહેતા પ૩ વર્ષીય સાતાભાઈ તેજાભાઈ ચૌહાણ સચિવાલય સલામતી શાખામાં કમાન્ડો તરીકે ફરજ બજાવે છે. આજે રજા હોવાથી તેઓ ઘરે જ હતા અને તેમની કાર નં.જીજે-૧૮-બીએ-૩૬૮૪ લઈને ઘરેથી નીકળ્યા હતા. તેમની કાર સે-૩૦માં બંધ રહેતાં સરકારી આવાસ પાસે પડી હતી. જેથી ત્યાં પેટ્રોલીંગ કરી રહેલી પીસીઆર વાનને કાર ઉપર શંકા જતાં પોલીસ જવાનો કારની નજીક પહોંચ્યા હતા અને તપાસ કરતા કારની બહાર સાતાભાઈનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડયો હતો જયારે તેમની બાજુમાં સર્વિસ રિવોલ્વર પડી હતી.

(5:48 pm IST)