Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ગીરના સિંહોની દેખભાળ-ગણતરી માટે જંગલ વિજ્ઞાનીઓએ સુચવી ખાસ પધ્ધતી

કેટલાક સિંહોની ગણતરી ડબલ વખત થઇ જાય છે તો કેટલાકની ગણતરી સાવ છુટી જતી હોવાથી ચોક્કસ આંકડા પર પહોંચી શકાતું નથીઃ વ્હીસ્કર પધ્ધતી અપનાવી સિંહોના શરીર ઉપર કાયમી નિશાન કરવાથી ચોક્કસ સંખ્યા આંકી શકાશે

દહેરાદુન, તા., ર૧: ભારતમાં લુપ્ત થઇ રહેલી વાઘની દેખભાળ માટે એક વૈકલ્પીક પધ્ધતી સુચવવામાં આવી છે જેને  અપનાવવાથી તેમની સંરક્ષણનીતી અને પ્રબંધોના યોગ્ય નિર્ણયો લઇ શકાશે.

ભારતીય વન્ય જીવન સંસ્થાનના કેશવ  ગોગોઇ સહીતના શોધકર્તાઓનું કહેવું છે  કે, સંરક્ષણ  માટે  અપનાવાઇ રહેલી આ પધ્ધતીના હિસાબે આજે એશીયાઇ સિંહો તરીકે પ્રચલીત ગુજરાતના સૌરાષ્ટ્ર-ગીરના જંગલોમાં વસતા સિંહોને માત્ર પ૦ની સંખ્યાથી  પ૦૦ની અનુમાનીત સંખ્યા ઉપર પહોંચાડી શકાયા છે.

જો કે પીએલઓએસ નામની જંગલ બુકમાં પ્રકાશીત થયેલા તેમના શોધપત્ર મુજબ ગીરના સિંહોના સંરક્ષણના પ્રયાસો માટે તેમની વસ્તીની ચોક્કસ ગણતરીના અનુમાનો જરૂરી છે.

સંશોધકોએ કહયું કે વર્તમાન મોનીટરીંગ વ્યવસ્થા  ખાસ કરીને વસ્તી ગણતરીની પધ્ધતીને 'કુલ ગણતરી' તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક સિંહોની ગણતરી ડબલ વખત થઇ જાય છે તો કેટલાકની ગણતરી  સાવ છુટી જાય છે. જેને લઇને ગણતરીનો ચોક્કસ આંકડા પર પહોંચી શકાતું નથી.

ગોગોઇ  અને તેના સહયોગીઓએ સિંહોની ગણતરી માટે એક ખાસ ટેકનીક સુચવી છે. જેમાં સિંહોની ઓળખ કરવા માટે વ્હીસ્કર પેટર્ન અપનાવી શરીર ઉપર કાયમી નિશાનનો ઉપયોગ કરવાની વૈકલ્પીક  પધ્ધતીનું પ્રદર્શન-નિર્દેશન કરવામાં આવ્યું છે. સંશોધકોએ શિકારની સંખ્યા અને અન્ય મહત્વના મુદ્દાઓનું આંકલન કર્યુ છે. જે સિંહોની વસ્તીની ઘનતા તરફ નિર્દેશ કરે છે.

 ગીરના જંગલોના ૭રપ વર્ગ કિલોમીટરમાં વિચરતા ૩૬૮ સિંહોમાંથી સંશોધકોએ ૬૭ અલગ-અલગ સિંહોને ઓળખી કાઢયા. જેના તારણ રૂપે ૧૦૦ વર્ગ પ્રતિ કિલોમીટર ૮.પ૩ સિંહોની હયાતીનું અનુમાન થઇ શકે છે.

 ઉબડખાબડ અને ઉંચાઇવાળી જગ્યાને બદલે સમથળ જંગલો અને મેદાનોમાં સિંહોની સંખ્યા વધુ જોવા મળી છે. આ ઉપરાંત જે જગ્યાએ પર્યટકો માટે સિંહદર્શનના કાર્યક્રમ  યોજાય છે ત્યાં તેમને આકર્ષવા માટે રાખવામાં આવતા શિકારને કારણે તેમની સંખ્યા વધુ જોવા મળે છે. સંશોધનના તારણો મુજબ સિંહોને પર્યટન માટે અલગ તારવવાની પધ્ધતી તેમના વ્યવહાર અને સામાજીક ગતીશીલતાને અસરકર્તા બને છે. લેખકોનું મંતવ્ય છે કે તેમની વૈકલ્પીક સિંહ ગણતરી પધ્ધતીનો ઉપયોગ કરવાથી સિંહ સંરક્ષણના વર્તમાન પ્રયાસોને વેગ મળશે અને તેમની ગણતરીના ચોક્કસ આંકડા પર પહોચી શકાશે. દુનિયામાં એશીયાઇ સિંહોની એક માત્ર આબાદી સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં વિહરી રહી છે. સર્વોત્તમ વિજ્ઞાન અને પ્રબંધો સાથે સિંહની આ ઉપપ્રજાપતીનું સંરક્ષણ કરવું એ આપણી વૈશ્વિક પ્રાથમીકતા અને જવાબદારી છે. અમારૂ રિસર્ચ પેપર સિંહોની વસ્તી ગણતરી અને તેમની દેખભાળ માટે એક મજબુત દ્રષ્ટિકોણ વિકસીત કરે છે. જે દુનિયાભરમાં વસતા તમામ શેર (સિંહ)ની આબાદી માટે ઉપયોગી સાબીત થઇ શકે છે.

(4:23 pm IST)