Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

જલ હૈ તો કલ હૈઃ ૧ માર્ચથી જળસંચય અભિયાન

તળાવો ઉંડો કરાશે, ચેકડેમોની મરામતઃ કાંપ ખેડૂતોને અપાશેઃ અભિયાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ

રાજકોટ,તા.૨૧: રાજ્યના નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસ્ટર વિભાગ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૦નો તા.૧ માર્ચ રવિવારથી પ્રારંભ થનાર છે. આ અંગે વિભાગના ખાસ ફરજ પરના અધિકારી એસ.બી પ્રજાપતિની સહિતથી તા.૧૭મીએ વિગતવાર પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

જળ અભિયાનની કામગીરીમાં હયાત તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાશયો/નદીનું ડીસીલ્ટીંગ, હયાત નુકશાન પામેલ ચેકડેમોના રીપેરીંગ નહેરોની મરામત/ જાળવણી/ સફાઇ, રેઇન વોટર હાવેસ્ટીંગ, ખેત તલાવડી, માટીપાળા, કન્ટુર ટ્રેન્ચ, ગેબીયન, ચેકવોલ, પીવાના સ્ત્રોત/ ટાંકી/ સંપ/ઇન્ટેક તથા આસપાસની સફાઇ WTP/ STP તથા આસપાસની સફાઇ, તળાવોના વેસ્ટ વીચરના રીપેરીંગ નદીઓના પ્રવાહના પ્રવાહને અવરોધ રૂપ ગાંડા બાવળ, ઝાડી-ઝાંખરા દુર કરવા વગેરે જેવા કામોના સમાવેશ કરવાનો રહેશે.

નદીઓના પ્રવાહને અવરોધ રૂપ ગાંડા બાવળ, ઝાડી-ઝાંખરા દુર કરવાની કામગીરી સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, એપી.એમ.સી ધાર્મિક સંસ્થાઓના સહયોગથી અથવા સંબંધિત વિભાગ દ્વારા હાથ ધરવાની રહેશે.જીલ્લા કક્ષાએ અને એન.જી.ઓ/ સંસ્થાઓની યાદી સંબંધિત જીલ્લાના કલેકટરે તૈયાર કરવાની રહેશે. અભિયાન તમામ જિલ્લાઓમાં ચાલશે.

'સુજલામ સુફલામ જળ અભિયાન' હેઠળની લોક ભાગીદારીથી હાથ ધરાવાના થતા કામોની કામગીરી માટે માટી /મુરમ ખોદાણના ભાવો રૂ.૩૦ પ્રતિ ઘનમીટર રહેશે. જે સ્વૈચ્છિક સંસ્થાઓ લોકભાગીદારીથી કરવાની કામગીરી સરકારશ્રીની સહાયથી કરવા માગતી હોય તેને કામની કિંમતના ૬૦  % રકમ સરકારશ્રી દ્વારા ચુકવવામાં આવશે. અને બાકીની ૪૦% રકમ સંસ્થાએ પોતે ભોગવાની રહેશે. સોફટ રોકમાં કામગીરી કરાવવાની થાય તે કિસ્સામાં જે તે જીલ્લાના સિંચાઇ વિભાગની વિભાગીય કચેરી દ્વારા નક્કી કરાયેલ યુનિટ રેટ ગણતરીમાં લેવાનો રહેશે. અને તેમાં પણ ઉપર મુજબ ૬૦:૪૦ના ગુણોતરમાં ચુકવણુ કરવામાં આવશે.

જયાં સરકારી ખરાબાની જમીન જરૂરી પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યાં પાણીના આવરા બાબતની ખરાઇ કરી તળાવ માટેની જમીન માટે ૭/૧૨માં તબદિલ કરવાની કામગીરી પૂર્ણ કરીને જીલ્લા વાર એક નવા તળાવનું બાંધકાર કરવા અંગે કલેકટર દ્વારા જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

(11:40 am IST)