Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સાઠોદ પાસે ટ્રક-રીક્ષા વચ્ચે અકસ્માત થતા ત્રણના મોત

બાબરીનો પ્રસંગ પૂર્ણ કરી ઘરે પરત ફરતા હતા : અકસ્માતમાં ત્રણ વર્ષની બાળકીનું પણ મોત થતાં અરેરાટી ઇજાગ્રસ્ત ચારને હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા

અમદાવાદ,તા. ૨૦ : વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સાઠોદ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે આજે બહુ ગંભીર અને ગમખ્વાર અકસ્માત સર્જાતાં ૩ વર્ષની બાળકી સહિત ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા., જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને અકસ્માતમાં ત્રણ વર્ષની બાળકીનું પણ મોત થતાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. બીજીબાજુ, અકસ્માતમાં ઘાયલ થયેલા ચાર લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.  આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા નજીક ઉમેટા ખાતે રહેતા સંજયભાઈ ઘનશ્યામભાઈ વસાવા અને તેમના પાડોશીઓ બાબરી પ્રસંગમાં રિક્ષા લઇને ડભોઇ તાલુકાના સાઠોદ ગામમાં ગયા હતા. જ્યાથી તેઓ પ્રસંગ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે સાઠોદ ગામ પાસે ડભોઇ તરફથી પૂર ઝડપે આવતા એક અજાણ્યા ટ્રક ચાલકે બેફામ રીતે ટ્રક હંકારી રિક્ષાને ટક્કર મારી હતી.

              જેમાં રિક્ષામાં સવાર સંજયભાઇ તેમના પત્ની હિમાબેન વસાવા, ત્રણ વર્ષની દીકરી કિંજલ વસાવા અને પાડોશી રોશની દિપકભાઈ મારવાડી(રહે, સયાજીપુરા, વડોદરા), સીતાબેન દિપકભાઈ મારવાડી, અને ગાયત્રીબેન મણીલાલ વસાવા (રહે, નવીનગરી ડભોઇ) અને લીલાબેન રાવળ રોડ ઉપર ફગોળાયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતના આ બનાવમાં ત્રણ વર્ષની કિંજલ સંજયભાઈ વસાવા, રોશની દિપકભાઈ મારવાડી(ઉ.વ.૧૧), અને લીલાબેન રાવળનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતને પગલે હાઇવે પર એક કિ.મી.નો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં ડભોઇ પોલીસ સ્થળ ઉપર પહોચી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

(8:53 am IST)