Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

નારણપુરાના વેપારી સાથે ત્રણ કરોડથી વધુની કરાયેલી ઠગાઈ

નવરંગપુરામાં પરિવારના પાંચ લોકો સામે ફરિયાદ: વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કંપની સ્થાપવા અને તે કંપનીમાં ભાગીદાર બનાવી વેપારીને કરોડો રૂપિયાનો ચુનો લગાવ્યો

અમદાવાદ, તા.૨૧: અમદાવાદના શહેરના નારણપુરા વિસ્તારના એક વેપારી સાથે ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરાઇ હોવાની ગંભીર ફરિયાદ નવરંગપુરા પોલીસમથકમાં નોંધાવા પામી છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કંપની સ્થાપવાની લાલચ આપીને એક જ પરિવારના પાંચ લોકોએ આ છેતરપિંડી આચરી વેપારીને કરોડો રૂપિયાનો ચુનો લગાડતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. તો, વેપારીની ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં મીરામ્બિકા ચાર રસ્તા પાસે જીવન સ્મૃતિ સોસાયટી ખાતે રહેતાં બંકિમભાઇ જયંતિલાલ શાહે નવરંગપુરા વિસ્તારમાં આ સમગ્ર છેતરપીંડી અંગે ગૌરવ હરગોવનદાસ દવે, હિતેશ વિશાલભાઇ દવે, વિશાલ ગૌરવભાઇ દવે, દર્શન ગૌરવભાઇ દવે અને અમી ગૌરવભાઇ દવે(રહે. પાર્શ્વ પદ્માવતી ફલેટ, વાસણા બસ સ્ટેન્ડ, જીવરાજ મહેતા હોસ્પિટલ રોડ, વાસણા) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વેપારી બંકિમભાઇ શાહ શેરબજારના ધંધા સાથે સંકળાયેલા છે અને તેમની ઓફિસ નવરંગપુરા કોમર્સ છ રસ્તા પાસે મોનાર્ક હાઉસ વિસ્તારમાં આવેલી છે. આ જ વિસ્તારમાં ઓફિસ ધરાવતા ગૌરવ દવેના સંપર્કમાં બંકીમભાઈ વર્ષ ૨૦૧૬માં આવ્યા હતા. ગૌરવ દવે બંકિમ ભાઈને વોટર કલીન્ઝ સોલ્યુશન એલએલપી નામની વોટર ટ્રીટમેન્ટ કંપની ખોલવાની અને ભાગીદારી કરવાની એક સ્કીમ આપી હતી. આ સ્કીમના ભાગરૂપે બંકિમ ભાઈ અને ગૌરવ દવે તેમજ તેના પરિવારના બીજા લોકોએ એક કરાર કર્યો હતો. આ કરારમાં એક એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યો હતો જેમાં ગૌરવ દવે વિશાલ દવે, દર્શન દવે, હિતેશ દવે આ તમામ ભાગીદાર હતા. દવે પરિવારના આ આરોપીઓએ બંકિમભાઇને કંપનીમાં ભાગીદાર બનાવ્યા બાદ ફંડ જમા કરાવવા વિશ્વાસમાં લઇ કુલ રૂ.૨,૯૪,૭૫,૭૫૦ અને વ્યકિતગત રીતે રૂ.૭૯,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩,૭૩,૭૫,૭૫૦ રકમનું મોટુ ફંડ જમા કરાવડાવ્યું હતું. એટલું જ નહી સમગ્ર પ્રોજેકટ અને તેમાં વપરાતા ફંડ તેમ જ નફાની તમામ હકીકતો છુપાવી આપેલા ફંડનો દુરપયોગ થયો હતો અને લાખો રૂપિયાની રકમ આરોપીઓએ બારોબાર તેમના અંગત ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી. બાદમાં સમગ્ર છેતરપીંડીનો અહેસાસ થતાં બંકિમભાઈએ પોતાના પૈસા પરત માંગતા ઉપરોકત આરોપીઓએ પૈસા પરત આપવાની ના પાડી હતી, જેને પગલે બંકિમભાઇએ નવરંગપુરા પોલીસમથકમાં ગૌરવ દવે, વિશાલ દવે, દવે દર્શન, અમી દવે અને હિતેશ દવે તમામ સામે ફરિયાદ નોંધાવી હતી.

(9:45 pm IST)