Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

યુવતીઓના ફોટાઓની બનાવટી ફેસબુક પ્રોફાઇલ બનાવી મહિલાઓને બદનામ કરવાના કાવત્રાનો પર્દાફાશ

સીઆઇડી વડા આશીષ ભાટીયાના માર્ગદર્શન વડોદરાથી એક શખ્સને રાતોરાત ઉઠાવી પુછપરછનો ધમધમાટ

રાજકોટ, તા., ૨૧: અમદાવાદના ગોતા વિસ્તારની એક મહિલાને અજાણ્યા વોટસએપ નંબર તથા મોબાઇલ નંબરથી આવતા મેસેજથી પરેશાન થઇ ઉઠેલી યુવતીની દર્દભરી દાસ્તા સાંભળતા જ આવુ અન્ય મહિલા સાથે પણ બનતું હોવાનું રાજયના સીઆઇડી વડા આશીષ ભાટીયાને પોતાના લાંબા અનુભવ આધારે સમજતા વાર ના લાગી અને તુર્ત જ આખી ઘટનાની તપાસના આદેશ આપવાના પગલે વડોદરાથી દિલીપ હિરાલાલ પરમાર નામના શખ્સને બાતમીદારો તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે રાતોરાત ઉઠાવી લઇ તેની પુછપરછનો ધમધમાટ સીઆઇડી હેડ કવાર્ટર ખાતે કરવામાં આવી રહયાનું સુત્રો જણાવે છે.

 

જેઓના ફોન કોલ્સ પરથી અને વોટસએપ પરથી મેસેજ આવતા હતા તેઓને પણ આ બાબતે કોઇ જાણ ન હોવાથી કોઇ ટેકનીકલ ભેજા દ્વારા યુવતીઓને બદનામ કરી પરેશાન કરવાનું રાજય વ્યાપી કાવતરૂ હોવાનું ખુલતા જ અમદાવાદ ઝોનમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ.

પ્રારંભીક તપાસ એસપી રાજેશ ગઢીયા અને નાયબ પોલીસ અધિક્ષક બી.એમ.ટાંકના સુપરવીઝનમાં સીઆઇડી વડા આશીષ ભાટીયાએ સાયબર સેલના ઇન્ચાર્જ એસ.સી. ગોહીલને સુપ્રત કરી હતી. સીઆઇડી તપાસના ધમધમાટના અંતે વડોદરાના માંજલપુર વિસ્તારના દિલીપ હિરાલાલ પરમારનું નામ સપાટી પર આવતા જ તેને વડોદરાથી ગુપચુપ રીતે ઉઠાવી લેવામાં આવ્યો હતો.  પ્રારંભીક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આરોપી દ્વારા ફેસબુક પ્રોફાઇલમાંથી સ્ત્રીઓ તથા યુવતીઓના નંબર મેળવી પોતે જાતે મહિલા બની ચેટીંગ કરતો. કોઇ સાવધ મહિલા આ બાબતે ઇન્કાર કરે તો તેના ફોટાનો અને પ્રોફાઇલનો ગેરઉપયોગ કરી હેરાન પરેશાન પણ કરતો હોવાનું સીઆઇડી વર્તુળોએ અકિલાને જણાવ્યું છે. (૪.૮)

(2:56 pm IST)