Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

પરેશ ધાનાણીની બુદ્ધિભ્રષ્ટ: દેશની એકતા- અખંડિતાનાં શીલ્પી સરદાર પટેલનું વિપક્ષે ઘોર અપમાન કર્યું : વિજયભાઈ આક્રમક

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લોખંડનો ભંગાર ગણાવતા પરેશ ધાનાણી થૂંકેલું નહીં ચાટે તો ઉગ્ર આંદોલન

અમદાવાદ :કોંગ્રેસને સરદાર વલ્લભભાઈ પટેલ ગમતા નથી અને કોંગ્રેસ સરદારને અન્યાય-અપમાન સિવાય બીજું કશું કરી ન શકે તે ફરી એક વખત સાબિત થઈ ચૂક્યું છે. સત્તા મેળવવા કોંગ્રેસ દેશનો સોદો પણ કરી શકે અને દેશનાં વીર સપૂતોનું અપમાન કરી રાજનીતિ પણ રમી નાખે. લોકોની ભાવનાઓ ભડકાવવા અને લાગણીઓ સાથે ચેડા કરવામાં કોંગ્રેસને મહારથ હાંસલ છે. ભારતને નીચું-નકામું દર્શાવી આપણી સંસ્કૃતિ અને હિંદુઓને અન્યાય-અપમાન કરવું એ કોંગ્રેસી કલ્ચર છે. આઝાદીથી લઈ ૨૦૧૪ સુધી કોંગ્રેસે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે અન્યાય કર્યો હતો. સરદાર પટેલને કોંગ્રેસે કરેલા અન્યાયનો બદલો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લઈ દુનિયા સમક્ષ સરદાર પટેલનો ગૌરવવંતો ઈતિહાસ રજૂ કર્યો છે. ઈતિહાસમાં ક્યારેય ન હોય એવડા ભવ્ય અને અખંડ ભારતનાં શીલ્પી-વિશ્વવિભૂતિ સરદાર પટેલને દસકો સુધી અન્યાય કર્યા બાદ કોંગ્રેસ સરદાર સાહેબનાં અપમાન કરવા પર ઉતરી આવી છે.

વિધાનસભાનાં સત્ર દરમિયાન કોંગ્રેસ-વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાની નીચ માનસિકતાનો પરિચય આપતા હલકટાઈથી કહ્યું હતું કે, લોખંડનો ભંગાર ભેગો કરી તેનો ભૂક્કો કરીને એમાંથી સરદારની પ્રતિમા બનાવવામાં આવી છે. પરેશ ધાનાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભંગારની મૂર્તિ કહી સરદાર સાહેબ સાથે તેમની સાથે જોડાયેલા સમગ્ર દેશ-દુનિયાનાં લોકોની ભાવનાઓનું પણ અપમાન કર્યું છે. કોંગ્રેસી કઠપૂતળી પરેશ ધાનાણીએ સરદાર સાહેબ વિરુદ્ધ ઝેર ઓક્યા બાદ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, સરદાર સાહેબ લોખંડી પુરુષ કહેવાતા આથી લોખંડી પુરુષ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી લોખંડી પ્રતિમા બનાવવામાં આવી છે. પરેશ ધાનાણી દ્વારા 'લોખંડનો ભંગાર' શબ્દપ્રયોગ કરી સરદાર પટેલનું અપમાન કરવામાં આવ્યું છે. 'ભંગારનો ભૂક્કો' શબ્દ સરદારના અપમાન સમાન છે માટે તેમણે માફી માગવી પડશે અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી ચાલશે નહીં. કોંગ્રેસને સરદાર ગમતા નથી આથી તે વારંવાર સરદારનું અપમાન કરે છે.

બુદ્ધિભ્રષ્ટ થઈ ચૂકેલા પરેશ ઘાનાણીને એટલી પણ ખબર પડતી નથી કે, ખેડૂતોના ઓઝાર એ ભંગાર નથી. દેશભરમાંથી કિસાન-જવાન પાસેથી એકઠું કરેલું લોખંડ એ એકતાનું પ્રતિક છે. લોકો જે લોખંડના ઓઝારની પૂજા કરે છે એને ભંગાર ગણાવતા પહેલા પરેશ ધાનાણીએ ડૂબી મરવું જોઈએ.

કોંગ્રેસી કલંક પરેશ ધાનાણીએ સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભંગારની પ્રતિમા ગણાવતા અંગે કરેલા અત્યંત નિંદનીય નિવેદન બાદ પરેશ ધાનાણીને વિધાનસભા ગૃહમાંથી એક દિવસની કાર્યવાહી માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે પણ આટલુ બસ નથી. પરેશ ધાનાણીએ અત્યંત હીનકક્ષાનાં બફાટ સાથે સરદાર વલ્લ્ભભાઈ પટેલની કેવડિયા કોલોની ખાતે નિર્માણ કરવામાં આવેલી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને લોખંડનો ભંગાર ગણાવતા સમગ્ર રાજ્યમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે અને લોકોમાં રોષ ફેલાયો છે. ભારતની અખંડતાના શિલ્પી એવા સરદાર પટેલની પ્રતિમા વિષે અત્યંત નિંદનીય નિવેદન આપી સરદાર સાહેબનું અપમાન કરનાર પરેશ ધાનાણી થૂંકેલું નહીં ચાટે તો ઉગ્ર આંદોલન થશે. પરેશ ધાનાણીના નર્યા બફાટ અને સરદાર પટેલનું અપમાન કરવા બદલ પટેલ સમાજ દ્વારા પણ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. વિરોધ પક્ષના નેતા તરીકે શાસકોનો વિરોધ કરવો એ રાજનીતિનો એક ભાગ છે પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહામાનવની પ્રતિમાને લોખંડનો ભંગાર કહીને પરેશ ધાનાણીએ અત્યંત હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યા હોવાનો સૂર ચોમેરથી ઉઠી રહ્યો છે. કોંગ્રેસે સરદાર સાહેબને અન્યાય કર્યો તેનો પાઠ પ્રજાએ તેને ભણાવ્યો છે હવે કોંગ્રેસી નેતાએ સરદાર સાહેબનું અપમાન કર્યું છે તેને પણ પાઠ ભણાવવા પડશે.

(2:17 pm IST)