Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ગુજરાત આઈટીનો ટાર્ગેટ હજુ અધુરોઃ ટેક્ષ ડીફોલ્ટરો ઉપર ધોંસ બોલાવાશે

૨૦૧૮-૧૯માં ગુજરાત ઈન્કમટેક્ષ વિભાગને રૂ. ૫૫૭૫૦ કરોડનો ટાર્ગેટ અપાયો હતો જેમાં અત્યાર સુધી રૂ. ૩૮૧૯૧ કરોડનું કલેકશન થયુ છેઃ દોઢ મહિનામાં રૂ. ૧૭૫૫૯ કરોડની ઘટ પુરી કરવા સટાસટી બોલાવશેઃ અમદાવાદમાં યોજાયો ઓલ ગુજરાત ઓપન હાઉસ કાર્યક્રમઃ જે લોકોએ ઉંચા વ્યવહારો કર્યા છે પરંતુ રીટર્ન ફાઈલ નથી કર્યુ તેમને પણ સાણસામાં લેવાશેઃ માર્ચમાં ગ્રીવન્સ રેડરીસલ વીક મનાવાશે

અમદાવાદ, તા. ૨૧ :. ચાલુ નાણાકીય વર્ષ પુરૂ થવા આડે હવે માંડ દોઢ મહિનો બાકી રહ્યો છે, ત્યારે ગુજરાત ઈન્કમટેક્ષ વિભાગે તેના રૂ. ૫૫૭૫૦ કરોડના નિર્ધારીત ટાર્ગેટ સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડશે. અત્યાર સુધીમાં રાજયમાંથી ટેક્ષ કલેકશન રૂ. ૩૮૧૯૧ કરોડ થવા પામ્યુ છે કે જે ટાર્ગેટ કરતા રૂ. ૧૭૫૫૯ કરોડ ઓછું છે. આ ટાર્ગેટ પુરો કરવા માટે આગામી દિવસોમાં આયકર ખાતુ ટેક્ષ ડીફોલ્ટરો પર તુટી પડશે તેવો નિર્દેશ મુખ્ય ચીફ કમિશ્નર (ઈન્કમટેક્ષ) અજયદાસ મેહરોત્રાએ આપ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગયા વખતના ટાર્ગેટ કરતા આ વખતનો ટાર્ગેટ ૧૭.૫ ટકા જેટલો ઉંચો છે અને તે પ્રાપ્ત કરવો અત્યારે તો મુશ્કેલ લાગી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે ૨૦૧૮-૧૯માં ગુજરાતમાં નવા ૬.૬ લાખ કરદાતાઓ ઉમેરાયા છે. એટલુ જ નહિ માર્ચ ૨૦૧૮ના અંત સુધીમાં ઈન્કમટેક્ષ રીટર્નની સંખ્યામાં ૨૦૧૪ના ૩૧.૫૮ લાખ હતી તે વધીને ૭૦.૮૬ લાખની થઈ છે. ઈન્કમટેક્ષ રીટર્નની સંખ્યા વધી પણ ટાર્ગેટ પણ વધી જતા આવકવેરા ખાતુ ચિંતામાં પડયુ છે.

ગઈકાલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલ ઓલ ગુજરાત ઓપન હાઉસ કાર્યક્રમમાં મેહરોત્રાએ જણાવ્યુ હતુ કે આવતા દિવસોમાં અમે ટેક્ષ કલેકશન પર ધ્યાન કેન્દ્રીત કરશુ અને ટીડીએસ ડીફોલ્ટરો પર તુટી પડશું. મોટા વ્યવહારો કર્યા છતા જે લોકોએ રીટર્ન નથી ભર્યુ તેમની સામે પણ પગલા લેવામાં આવશે.

તેમણે ઈઝ ઓફ પેઈંગ ટેક્ષ અંગે બોલતા કહ્યુ હતુ કે કરદાતાઓએ ઈન્કમટેક્ષ સાથે નિયમીત રીતે સંપર્કમાં રહેવુ જોઈએ અને ઈ-મેઈલ સતત અપડેટ કરતા રહેવો જોઈએ. તેમણે સ્ક્રુટની સહિતની બાબતો પર પણ લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે માર્ચના પ્રથમ સપ્તાહમાં અને જૂન ૨૦૧૯માં આવકવેરા વિભાગ સમગ્ર ગુજરાતમાં ગ્રીવન્સ રેડરીસલ વીકનુ આયોજન કરશે. આ કાર્યક્રમમાં વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.(૨-૫)

 

(11:51 am IST)