Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

શહેરમાં રખડતા કુતરા કરડવા પ્રશ્ને હાઇકોર્ટમાં પટિશન થઇ

૫મી સુધી ખુલાસો કરવા માટે હાઈકોર્ટનો નિર્દેશ : હાઈકોર્ટની મહ્ત્વપૂર્ણ કેસમાં જરૂરી સૂચના સરકારમાંથી મેળવી અદાલતની સમક્ષ રજૂ કરવા સરકાર પક્ષને તાકીદ

અમદાવાદ, તા.૨૧ : અમદાવાદ શહેર સહિત રાજયમાં રખડતા કુતરાઓ કરડવાનો અને ત્રાસનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઇકોર્ટ સમક્ષ થયેલી પિટિશનમાં રખડતા કૂતરાઓના કારણે શહેરીજનો ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃધ્ધોને જીવનું જોખમ હોવાનું અને દિન પ્રતિદિન કૂતરાઓ કરડવાના કિસ્સા વધી રહ્યા હોવાના મુદ્દા ઉઠાવાયા હતા. પિટિશનમાં નાગરિકોની સુરક્ષા પોલીસની જવાબદારી છે અને તેથી પોલીસ દ્વારા પણ નાગરિકોની સુરક્ષાને લઇ અસરકારક  પગલાં લેવાતા નહી હોવાની ફરિયાદ રજૂ કરવામાં આવી હતી. હાઇકોર્ટે મહ્ત્વપૂર્ણ કેસમાં સરકારમાંથી રૂરી સૂચના મેળવી આગામી મુદતે તે અંગેનું સ્પષ્ટીકરણ અદાલત સમક્ષ રજૂ કરવા સરકારપક્ષને હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી હતી.

             ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રખડતા કૂતરાઓ નાગરિકોને ખાસ કરીને મહિલા, બાળકો અને બિમાર, અશકત, વૃધ્ધોને કરડવાના કિસ્સા વધી રહ્યા છે. દેશભરમાં રખડતા કૂતરા કરડવાના કારણે હજારો લોકો મોતને ભેટી રહ્યા છે. માત્ર અમદાવાદ શહેરમાં નવેમ્બર-૨૦૧૭થી ઓકટોબર-૨૦૧૮ દરમ્યાન માત્ર એક વર્ષમાં ૬૦,૨૯૨ જેટલા નાગરિકોને રખડતા કુતરા કરડ્યાં હોવાનું સામે આવ્યું છે.

             અમદાવાદની જેમ રાજયના અન્ય શહેરો અને સ્થળોએ પણ આવા રખડતા કૂતરા પ્રજાજનોને કરડતા હોવાની અસંખ્ય ઘટનાઓ સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૂતરાઓની સંખ્યા નિયંત્રિત કરવા ખસીકરણનો પ્રોગ્રામ લાખો રૂપિયાના ખર્ચે હાથ ધરાય છે પરંતુ તેમાં કોઇ પરિણામ મળતુ જણાતુ નથી. ઉલટાનું દિન પ્રતિદિન  રખડતા કૂતરાઓની સંખ્યા અને તેના કરડવાના કિસ્સાઓ વધતા જાય છે. વળી, કાયદાકીય જોગવાઇ અને બંધારણમાં નિર્દિષ્ટ જોગવાઇ અનુસાર, નાગરિકોના જાન-માલની રક્ષણની જવાબદારી પોલીસ અને સરકારના સત્તાવાળાઓની છે પરંતુ તેઓ તેમની ફરજ અને સામાજિક જવાબદારીમાં બિલકુલ નિષ્ફળ અને ઉણા ઉતરી રહ્યા છે. સંજોગોમાં હાઇકોર્ટે રાજય સરકાર, પોલીસ સહિતના સત્તાવાળાઓને રખડતા કૂતરાઓના ત્રાસ નિવારવા માટે રૂરી નિર્દેશો જારી કરવા જોઇએ.

(8:44 pm IST)