Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

નડિયાદમાં પોલીસની ઓળખ આપી ગઠિયાએ વૃધ્ધાના 65 હજારના દાગીના લૂંટી લેતા અરેરાટી

નડિયાદ: શહેરમાં ચીલઝડપ તેમજ ચોરી લૂંટ જેવા બનાવો વધી રહ્યા છે તેમાં વળી, આજે સવારે નડિયાદ મિશન રોડ ઉપરથી પસાર થતા વૃદ્ઘને બે હિન્દી ભાષી માણસોએ ક્રાઈમ બ્રાન્ચ પોલીસના માણસો છીએ તેવી ઓળખ આપી લૂંટના બનાવો વધી રહ્યા હોઈ સોનાના દાગીના કાઢીને પોટલીમાં મૂકાવી રૂા. ૬૫,૦૦૦ની મત્તાના દાગીના સીફતપૂર્વક કાઢી લઈ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ આરોન પાર્ક મિશન રોડ વિસ્તારમાં જસવંત મગનલાલ ક્રિશ્ચિયન પરિવાર સાથે રહે છે. જસવંતલાલ આજે સવારે અગીયાર વાગ્યાના સુમારે એલીસ ચર્ચ સામેથી રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા હિન્દી ભાષી માણસો (આશરે ૩૦ થી ૩૫ વર્ષના)એ જસવંતલાલને પોતાની પાસે બોલાવી હિન્દી ભાષામાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસના માણસો હોવાની ખોટી ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે, હાલમાં નડિયાદ શહેરમાં લૂંટફાટના બનાવો વધી રહ્યા છે. અહીંયા મારામારી પણ થઈ હતી તેવું કહી વૃદ્ઘને શરીરે પહેરેલા સોનાના દાગીના કાઢી નાખો તેમ કહી સોનાની લકી, દોઢ તોલાની, સવા તોલા વજનની સોનાની ચેઈન તેમજ સોનાની વીંટી અડધા તોલાની તેમજ ઘડિયાળ કઢાવી લઈ સોનાના દાગીના લાવો પોટલીમાં બાંધી આપું કહી લઈ લીધા હતા. 

(5:44 pm IST)