Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

વાયબ્રન્ટ : એક લાખ કરોડના મૂડી રોકાણના એમઓયુ થયા

પુનઃપ્રાપ્ય ઉર્જા મુદ્દે વિચાર વિમર્શ કરાયો : ગુજરાતના કુલ ૫૦ સબ સ્ટેશન આસપાસની સરકારી ખરાબા જમીનનો સૌરઉર્જા ઉત્પાદન માટે ઉપયોગ કરાશે

ગાંધીનગર, તા. ૨૦ :  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ના ભાગરૂપે યોજાયેલા ગુજરાત અને ભારતમાં  પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદનની તકો વિષયક પરિસંવાદમાં રાજયના ઊર્જા મંત્રી સૌરભ પટેલ તેમજ મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજય સરકારના વિવિધ ઊર્જા નિગમો તેમજ ડેવલપર્સ વચ્ચે એક લાખ કરોડના મૂડી રોકાણથી સૌર પવન અને પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદનના પ્રોજેક્ટ્સ તેમજ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની સ્થાપનાના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા.  મંત્રી સૌરભ પટેલે ગુજરાત સરકારે રીન્યુએબલ એનર્જીના માધ્યમથી ઊર્જા ઉત્પાદનના કરેલાં ભવિષ્યલક્ષી આયોજનની વિગતવાર માહિતી આપવાની સાથે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બિન પરંપરાગત ઊર્જાના ઉત્પાદનમાં અગ્રેસર રહેવાની પરિકલ્પનાઓ સાકાર કરવા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. સૌર ઊર્જા પ્લાન્ટ્સને પ્રોત્સાહન આપવા અંગેની જાણકારી આપતાં ઊર્જા મંત્રીએ કહ્યું કે, ૬૬ કે.વી. સબસ્ટેશન આસપાસની સરકારી ખરાબાની જમીનોનો સૌર ઊર્જા ઉત્પાદન માટે ઉપયોગ કરાશે તેમ જ પસંદ કરાયેલાં ૫૦ સબસ્ટેશનોની આસપાસની જમીનોમાં સૌર ઊર્જાના પ્લાન્ટ દ્વારા ત્રણ હજાર મેગા વોટ ઉર્જા ઉત્પાદિત કરાશે. સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટર્સ સોલાર પ્રોજેક્ટ દેશભરમાં ગુજરાતનું નવતર કદમ છે. કોઈ વ્યક્તિ, પેઢી, સહકારી મંડળી અડધા મે.વો.થી ચાર મે.વો. સૌર ઊર્જા ઉત્પાદિત કરે તો, તેને ખરીદવા માટે સરકાર ૨૫ વર્ષનો કરાર કરશે. આ ઉપરાંત પોતાની જમીનમાં સૌર ઊર્જા ઉત્પાદન કરવામાં આવે તો, છેલ્લાં ટેન્ડરના ભાવ પ્રમાણે વીજળી ખરીદાશે. તેમણે આ પ્રોજેક્ટ સાકાર કરવામાં રાજય સરકારના મહેસૂલ વિભાગના સહયોગી અભિગમને બિરદાવ્યો હતો. હાઈબ્રિડ પાર્કની તકો અંગે પ્રકાશ પાડતા મંત્રીએ જણાવ્યું કે, સોલાર અને હાઈબ્રિડ પાર્ક માટે ફાળવવામાં આવતી જમીન આપોઆપ બિન ખેતીની જમીન ગણાશે એવો રાજય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય પણ લીધો છે. આ પાર્કમાં ઓછામાં ઓછા એક હજાર મે.વો.નું ઉત્પાદન થઈ શકે તેટલી જમીન ફાળવવામાં આવશે. કેન્દ્ર સરકારની કંપની સેકી સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જે દેશભરમાં અન્ય રાજયો માટે સૌર ઊર્જા અને પવન ઊર્જા માટેની પ્રક્રિયા હાથ ધરે છે તેને પણ રાજયના હાઈબ્રિડ પાર્કમાં જગ્યા ફાળવી શકશે.

 

(9:57 pm IST)