Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

સરકારની ગંગા સ્વરૂપ સહાય યોજના ઘણી વિધવા બહેનો માટે આર્શીવાદરૂપ

સાણંદના માત્ર બે ગામમાં જ 110થી વધુ વિધવા મહિલાઓ લાયે છે યોજનાનો લાભ :સરકાર તરફથી ચુકવાતાં રૂપિયા 1250 અમૂક પરિવાર માટે વરદાન રૂપ

અમદાવાદ :ઘરનો મોભીની છત્રછાયા ગુમાવી દેવાના કારણે પરિવાર નોધારો બની જાય છે. તેવા સમયે સરકારની ગંગા સ્વરૂપ સહાય યોજના ઘણી વિધવા બહેનો માટે આર્શીવાદરૂપ સાબિત થઇ છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના માત્ર બે ગામમાં જ 110થી વધુ વિધવા મહિલાઓ ગંગા સ્વરુપ યોજનાનો લાભ મેળવી રહી છે. સરકાર તરફથી ચુકવાતાં રૂપિયા 1250 અમૂક પરિવાર માટે વરદાન રૂપ સાબિત થાય છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના અણીયારી ગામના નવા પરામાં રહેતા ગીતાબહેન દેવીપૂજકના પતિ વિરમભાઈ દેવીપૂજકનું 28 જૂન, 2019ના રોજ નિધન થયું. વિરમભાઈને સવારે હ્રદયરોગનો હુમલો આવ્યો. ઉંમર લગભગ 50 વર્ષ હશે. વિરમભાઈ ખેતીમજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. ઘરના મોભીના અવસાનથી ઘરની સઘળી જવાબદારી ગીતાબહેન પર આવી પડી હતી. ગીતાબહેનને 11 સંતાનો. તેમાંથી 5 દિકરીઓને સાસરે વળાવી હતી, પણ હજુ 6 સંતાનોના ભરણ-પોષણનો પ્રશ્ન ઉભો હતો. વળી, 6 સંતાનોમાંથી માત્ર એક જ દીકરો કરશન( 17 વર્ષ) પરિવારના આર્થિક ઉપાર્જનમાં મદદરુપ થાય એમ હતો. ત્યારે ગુજરાત સરકારની ગંગા સ્વરુપ યોજના દેવીપૂજક પરિવારના વહારે આવી હતી.

ગામના સરપંચ દિલાભાઈ અને ડેપ્યુટી સરપંચ જ્યંતિભાઈ પ્રજાપતિએ બહેનને ગુજરાત સરકારની યોજનાનો લાભ મળે તે માટે ફોર્મ ભરી આપ્યું. જેના પગલે દર મહિને પરિવારને રુ.1250 ની રકમ મળતી થઈ. વિરમભાઈની આવક મર્યાદિત અને એમનું ઘરનું ઘર એટલે કાચુ ઝૂંપડું. એટલે ગીતાબહેનના પરિવારને માથે છાપરું પુરુ પાડવાની જવાબદારી પણ ઉભી હતી.

તેવા સમયે વિરમભાઈનું અવસાન થતાં ગુજરાત સરકારની સહાયરૂપ યોજનામાં પરિવારને રુ. 20,000ની સહાય મળી હતી. જેમાંથી ગીતાબહેને પતરા નંખાવ્યા, જેથી પરિવારને સલામત આશ્રય મળ્યો હતો.

અણીયારી ગામના જ આનંદીહેન કાળુભાઈ સોલંકી પણ ગુજરાત સરકારની ગંગા સ્વરુપ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભના કારણે સન્માનભેર જીવન જીવી રહ્યા છે. આનંદીબહેનના પતિ કાળુભાઈનું 30 સપ્ટેમ્બર, 2015માં નિધન થયું. કાળુભાઈ કડિયાકામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. કાળુભાઈના નિધનના પગલે ઘર કેમ ચલાવવું એ પ્રશ્ન ઉભો થયો હતો. ત્યાં સરકારની ગંગા સ્વરુપ યોજના આનંદીબહેનની વ્હારે આવી. ખેતમજૂરી કે કડિયાકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા સોલંકી પરિવારને આ યોજનાથી આર્થિક ટેકો મળ્યો. હવે આનંદીબહેનનો દીકરો રોહિત પણ કડિયાકામ કરીને કમાતો થયો છે. તેમના જેઠે આર્થિક ટેકો કરતાં દિકરી આરતીના લગ્ન થઈ ગયા છે. વળી, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મળતા ઘરનું ઘર પણ બન્યું છે.

આ કામગીરીની વિગતો આપતા અણીયારીના તલાટી કમ મંત્રી જીજ્ઞેશભાઈ ડાભી જણાવ્યું છે કે, “અણીયારી ગામમાં 60 અને વનાડિયા ગામમાં 50 વિધવા બહેનોને ગંગા સ્વરુપ યોજનાનો લાભ મળે છે. તેઓ ઉમેરે છે કે, રાજ્ય સરકારની યોજનાનો લાભ વંચિતો સુધી પહોંચે તે માટે અમે સતત પ્રયાસો કરીએ છીએ.

(8:46 pm IST)