Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો અટકવાનું નામ નથી લેતાઃ સતત ૨૩માં દિવસે વધીને ભાવ થયો આટલો

અમદાવાદમાં પેટ્રોલમાં ૫ પૈસા, ડીઝલમાં ૧૩ પૈસાનો વધારો

નવી દિલ્હી, તા.૨૯: એક તરફ દેશની પ્રજા કોરોના વાયરસની મહામારી સામે જંગ લડી રહી છે. જેને લઇને અગાઉ જાહેર કરાયેલા લોકડાઉનના પગલે રોજગારી-ધંધાને લઇને પીસાઇ રહેલી જનતા પર દાઝયા પર ડામ જેવી સ્થિતિ થઇ રહી છે. દેશમાં સતત છેલ્લા ૨૩ દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે સતત ૨૩માં દિવસે પણ વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં આજે ૫ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૩ પૈસાનો વધારો થયો છે. એક તરફ ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે, તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા મોંદ્યવારી પણ વધી રહી છે. અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલ ૭૭ રૂપિયા ૯૧ પૈસા અને ડીઝલ ૭૭ રૂપિયા ૮૫ પૈસાએ પહોંચ્યો છે. સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલ ૭૭ રૂપિયા ૮૧ પૈસા અને ડીઝલ ૭૭ રૂપિયા ૭૬ પૈસાએ પહોંચ્યો છે.

જામનગરમાં પ્રતિ લિટર પેટ્રોલ ૭૭ રૂપિયા ૮૨ પૈસા અને ડીઝલ ૭૭ રૂપિયા ૭૫ પૈસાએ પહોંચ્યો છે. વડોદરામાં પ્રતિ લિટર પેટ્રોલ ૭૭ રૂપિયા ૫૪ પૈસા અને ડીઝલ ૭૭ રૂપિયા ૪૦ પૈસાએ પહોંચ્યો છે.

ભાવનગરમાં પ્રતિ લિટર પેટ્રોલ ૭૯ રૂપિયા ૨૦ પૈસા અને ડીઝલ ૭૯ રૂપિયા ૧૨ પૈસાએ પહોંચ્યો છે... રાજકોટમાં પ્રતિ લિટર પેટ્રોલ ૭૭ રૂપિયા ૬૯ પૈસા અને ડીઝલ ૭૭ રૂપિયા ૬૪ પૈસાએ પહોંચ્યો છે.

(10:29 am IST)