Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

આઇપીએસ અધિકારીઓના ખાનગી ચર્ચા-ચોરાની વાત

કોરોના વાયરસ સામે ઝઝુમવુ જરૂરી છે, પરંતુ આ વાયરસોને પણ અવગણી શકાય નહિ

ત્રાસવાદ-નકસલવાદ-ડ્રગ્સ ડીલરો કે રાષ્ટ્ર વ્યાપી અપરાધી નેટવર્ક પર બાજ નજર રાખવાની જવાબદારી છે તેવા ગુપ્તચર વડાનું સ્થાન ખાલી, ચાલુ માસે એટીએસ વડાનું સ્થાન પણ ખાલી થશે : એસીબી વડા-લો એન્ડ ઓર્ડર હેડ-હથીયારધારી એકમોના એડીશ્નલ ડીજી હોય કે પછી મોટા મગરમચ્છોને જાળમાં લેતા એસીબી વડાનું સ્થાન, આ તમામ સ્થાનો ઇન્ચાર્જથી ચાલતા હોવાથી અનુભવી આઇપીએસ અને સનદી અધિકારીઓ ખાનગીમાં ચિંતા અનુભવી રહયા છે

રાજકોટ, તા., ૨૨: દેશવ્યાપી કોરોના  વાયરસની મહામારી તમામ માટે નવી હોય  સ્વભાવિક રીતે ગુજરાત પણ તેમાંથી મુકત ન હોઇ શકે, કોરોના ઇફેકટને કારણે આ વિષચક્રમાંથી મુકત થવામાં તંત્ર ગળાડૂબ છે ત્યારે આ વાયરસ જેવા જ ખતરનાક ત્રાસવાદીઓ, નકસલવાદીઓ, ડ્રગ્સ ડીલરો કે બીજા રાષ્ટ્રવ્યાપી અપરાધોનું નેટવર્ક ચલાવતા તત્વો પર નજર રાખવા માટે જેઓની જવાબદારી ખુબ જ મહત્વની હોય છે તેવા  ઉચ્ચ અધિકારીઓના સ્થાનો ખાલી રહી ગયા છે તે બાબતે અનુભવી આઇપીએસ અને સનદી અધિકારીઓ ખાનગીમાં ચિંતા અનુભવી રહયા છે.

કોરોના ઇફેકટને કારણે પ્રથમથી જ પોલીસ તંત્ર પાસે અસરકારક કામગીરી કરાવવા સાથે પ્રસંશા અને કાન ખેંચવામાં પાછા ન પડતા નિવૃત થયેલા રાજયના પોલીસ વડાને એક્ષટેન્શન અપાયું તે સ્વભાવિક બાબત હતી, પરંતુ ત્રાસવાદ-નકસલવાદ-હથીયારોની હેરફેર-સરહદી અને દરીયાઇ બાબતો તથા રાજકીય ગતિવિધિ પર નજર રાખવાની જેમની મહત્વની જવાબદારી હોય છે તેવા ગુપ્તચર વડાનું સ્થાન પણ ઇન્ચાર્જથી ચલાવાય છે.

વાત અહીથી પુરી થતી નથી. હાલની પરિસ્થિતિમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સમગ્ર રાજયમાં નજર રાખવાની જેના શીરે જવાબદારી હોય છે તેવા લો એન્ડ ઓર્ડરના વડાનું સ્થાન ઇન્ચાર્જથી ચાલે છે. કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં અર્ધ લશ્કરી દળો કયાં અને કેવી રીતે તૈનાત કરવા તેનો નિર્ણય લેતા હથીયારધારી એકમોના વડાનું સ્થાન ખાલી છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના વડાનું સ્થાન ખાલી હોવા ઉપરાંત ચાલુ માસે ગુપ્તચર વડા જેવી જ મહત્વની જવાબદારી જેઓને ખુબ જ કુનેહથી નિભાવાની હોય છે તેવા ત્રાસવાદ વિરોધી દળના વડા એ.કે.સુરોલીયા ચાલુ માસે નિવૃત થઇ રહયા છે ત્યારે આ જગ્યા પર રેગ્યુલર નિમણુંક નહિ થાય તો  આ મહત્વનું સ્થાન પણ ખાલી રહી જશે.

સુરત જેવા શહેરમાં જોઇન્ટ પોલીસ કમિશ્નરની જગ્યા હોય કે પછી અમદાવાદ રેન્જ વડા જેવી અનેક જગ્યાઓ ખાલી જ છે. નવાઇની વાત એ છે કે આખા દેશની જવાબદારી સંભાળતા કેન્દ્ર દ્વારા સમયાંતરે  બઢતી-બદલીના ઓર્ડરો થયા જ કરે છે તો પછી એસપીઓની બઢતી હોય કે બીજી બદલીઓ ન થવાની માનસિકતા  કેમ તુટતી નથી? તેઓ સવાલ ખાનગીમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ એકબીજાને પૂછી રહયા છે.

(11:44 am IST)