Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

હવે કન્ટેઈનમેન્ટ ઝોન વિનાના ક્ષેત્રોમાં જનજીવન સામાન્ય થશે

પૂર્વ વિસ્તાર માટે રાહતના સમાચાર : પૂર્વ વિસ્તારમાં ૧૦ કન્ટેન્ટેનમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારોમાં છુટછાટ આપવામાં આવી : નાગરિકોને રાહત

અમદાવાદ, તા. ૨૧ : અમદાવાદના પૂર્વ વિસ્તાર માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. પૂર્વ વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં જનજીવન સામાન્ય થશે. એએમસી દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે મંગળવારે કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે શહેરના પૂર્વ વિસ્તારમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. પરંતુ નિર્ણય એક દિવસમા બદલાઈ ગયો હતો અને પૂર્વ વિસ્તારમાં આવેલા કન્ટેઈનમેન્ટ સિવાયના વિસ્તારોમાં દુકાનો, ઔદ્યોગિક એકમોને છૂટછાટ આપવામાં આવી છે. પૂર્વ વિસ્તારમાં આવેલ ૧૦ કન્ટેઈનમેન્ટ ઝોન અસારવા, દરિયાપુર, જમાલપુર, ખાડિયા, શાહપુર, સરસપુર-રખિયાલ, ગોમતીપુર, દાણીલીમડા, મણિનગર અને ગુલબાઈ ટેકરા વિસ્તારોમાં જીવનજરૂરી વસ્તુઓ મેડિકલ અને અનાજ-કરિયાણા તેમજ દૂધ જેવી સેવાઓને બાદ કરતાં કોઈપણ જાતની છૂટછાટ નથી આપવામાં આવી.

           જ્યારે ઇન્દ્રપુરી, ઈસનપુર, ખોખરા, લાંભા, વટવા, શાહીબાગ, અમરાઈવાડી, ભાઈપુરા, હાટેશ્વર, નિકોલ, ઓઢવ, રામોલ, હાથીજણ, વસ્ત્રાલ, વિરાટનગર, બાપુનગર, ઇન્ડિયા કોલોની, કુબેરનગર, નરોડા, સૈજપુર બોઘા, સરદારનગર, ઠક્કરબાપાનગર વિસ્તાર જે અત્યાર સુધી સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા જ્યાં હવે આજથી છૂટ આપવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાનો ફેલાવવાની જવાબદારી સાથે રાજ્ય સરકાર તરફથી નિમણૂક કરવામાં આવેલ ઉચ્ચ અધિકારી વન-પર્યાવરણના વિભાગા એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ કહ્યું કે શહેરના પૂર્વ વિસ્તારોમાં આવેલ ધંધા રોજગારને પણ પશ્ચિમ વિસ્તારની જેમ છૂટ આપવામાં આવશે. તમામ છૂટછાટ રાજ્યના ઔદ્યોગિક મંત્રાલય દ્વારા સમય સમય પર આપવામાં દિશા નિર્દેશોને આધિન રહેશે.

           પશ્ચિમ અમદાવાદમાં ધંધા રોજગાર ખોલવા માટે જે ગાઈડલાઈન્સ આપવામાં આવી છે તે ગાઈડલાઈન્સ પૂર્વ અમદાવાદમાં જ્યાં ધંધા-રોજગારની છૂટ આપવામાં આવી છે તેના માટે પણ લાગુ કરવામાં આવશે. તેમજ જે તે વેપારી કોમ્પ્લેક્ષના એસોસિએશનની પણ જવાબદારી રહેશે કે તેમના પરિસરમાં આવેલ દુકાનો ઓડ-ઈવન ફોર્મ્યુલા સાથે ખૂલે. છૂટછાટના ભાગરૂપે વટવા, નરોડા, ઓઢવ અને નારોલના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાંઆવેલ ફેક્ટરીઓ આગામી એક-બે દિવસમાં ફરીથી કાર્યરત થશે.

(9:46 pm IST)