Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ગુજરાતની કેડિલા કંપનીનો કોરોનાની વેકિસન બનાવ્યાનો દાવોઃ હાલ પશુઓ પર ટ્રાયલ શરૂ

ત્રણ મહિનામાં તેને મેડિકલ ટ્રાયલ માટે મોકલવાની આશા : પંકજભાઇ પટેલ

  અમદાવાદઃ દેશમાં દવા બનાવતી મોટી કંપની કેડિલા હેલ્થકેરના ચેરમેન શ્રી પંકજભાઇ પટેલે કોરોના વાયરસની વેકિસન બનાવવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે હાલ એનિમલ ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. આગામી ત્રણ મહિનામાં તેને મેડિકલ ટ્રાયલ માટે મોકલવાની આશા વ્યકત કરી છે.

 

 પંકજભાઇ કહે છે કે  કેડીલા તરફથી હાલ વેકિસન તૈયાર કરી લેવામા આવી છે અને એનિમલ ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. જો એનિમલ પર ટેસ્ટિંગ સફળ રહેશે તો કંપનીએ આગામી દિવસોમાં કલીનીકલ ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. કેડિલા ગ્રૃપ મેલેરિયા માટે પણ ખૂબ મોટા પ્રમાણમાં દવાઓ બનાવે છે. ગઇકાલે ટીવી ચેનલ સાથેની વાતમાં આ જાહેરાત થઇ હતી.

 ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કહેવામાં આવી રહ્યું છે કે દુનિયામાં કોરોના વાયરસથી કોઈ સારવાર નથી. સારવાર દરમિયાન દર્દીઓને હાલ અલગ-અલગ દવાઓ આપવામાં આવી રહી છે. અલગ-અલગ રીતે કોરોનાના દર્દીઓને સાજા કરવામાં આવી રહ્યા છે. આવા સમયમાં કેડિલા ગ્રુપનો પ્રયાસ સફળ થશે તો આ એક મોટી સફળતા હશે.

(11:47 am IST)