Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

૨૦૧૮ના પરિપત્રને રદ કરવા હવે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે અલ્ટિમેટમ આપ્યું

કરણી સેનાની પણ રાજયવ્યાપી આંદોલનની ચિમકી : રાજધર્મ નહીં સમાજધર્મ નિભાવો નહીં તો ઘરે બેસવાનો વારો આવશે : પ્રવીણ રામનું પણ મહેસાણા બંધનું એલાન

અમદાવાદ,તા. ૧૪ : એલઆરડી ભરતીમાં અનામતની પોતપોતાની માંગણીને લઇ હવે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ સામસામે આવી ગયા છે ત્યારે આજે બંને વર્ગના સામાજિક આગેવાનો અને નેતાઓના ઘેરા પ્રત્યાઘાત પણ સામે આવી રહ્યા છે, જેેને લઇ સમગ્ર મામલે હવે રાજકારણ બહુ ગંભીર રીતે ગરમાયું છે. ગંભીર વિવાદમાં હવે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ, કરણી સેનાના ગુજરાતના પ્રમુખ રાજ શેખાવત, ભાજપના નેતા અલ્પેશ ઠાકોર અને જન અધિકાર મંચના નેતા પ્રવીણ રામના અલ્ટીમેટમ અને સરકારને ખુલ્લા શબ્દોમાં ચેતવણીના સૂર સામે આવ્યા છે. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ગાંધીનગરમાં બિન અનામત વર્ગની આંદોલન કરી રહેલી મહિલાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, સરકારે મામલે યોગ્ય નિર્ણય કરવો જોઈએ. કોઈપણ બહેન સાથે અન્યાય ના થાય તે હિતમાં સરકારે નિર્ણય લેવો જોઈએ.

           જેમને સમાજે નેતા બનાવ્યા છે તેઓ રાજ ધર્મના બદલે સમાજ ધર્મ નિભાવે. જો આમ નહીં કરે તો ચૂંટણીમાં આગેવાનોએ ઘરે બેસવાનો વારો આવશે. પ્રજા છે, તે સરકાર બનાવે છે અને મિટાવી પણ શકે છે. તો કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે પણ સરકારને ચીમકી આપતાં જણાવ્યું હતું કે, બિન અનામત વર્ગના હિતને નુકસાન થાય તે પ્રકારે સરકાર દ્વારા જો ૨૦૧૮નો પરિપત્ર રદ કરાશે તો આગામી દિવસોમાં કરણી સેના ગુજરાતના જિલ્લે-જિલ્લે અને ગામડે ગામડે આંદોલનની આગ લઇ જશે. કરણી સેના દ્વારા રાજયવ્યાપી આંદોલન છેડી ન્યાયની લડત ચલાવાશે.

              બીજીબાજુ, ખુદ ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પણ અનામત વર્ગની બહેનોના સમર્થનમાં મેદાનમાં આવ્યા હતા અને રૂપાણી સરકારને ૨૦૧૮નો વિવાદીત ઠરાવ રદ કરવા માટે સરકારને ૪૮ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. ૪૮ કલાકમાં સરકાર કોઈ પગલાં નહીં ભરે તો સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા કરવાની ચીમકી અલ્પેશ તરફથી ઉચ્ચારવામાં આવી હતી, એટલે કે હવે ભાજપના નેતાઓએ સરકાર સામે બાંયો ચઢાવતાં સરકારની મુશ્કેલી વધી છે. દરમ્યાન જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ રામે પણ સરકારને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપતાં ચેતવણી આપી હતી કે, જો સરકાર સમગ્ર મામલે યોગ્ય નિર્ણય નહી લે તો, આવતીકાલે મહેસાણા બંધનું ઉગ્ર એલાન આપવામાં આવશે અને ત્યારબાદ આંદોલનની જવાળા અન્ય જિલ્લાઓમાં પણ પ્રસરાવવામાં આવશે.

આમ, હવે રાજય સરકાર માટે આગામી દિવસોમાં વર્ગ વિગ્રહની પરિસ્થિતિને થાળે પાડવાની બહુ પડકારજનક સ્થિતિ આવીને ઉભી છે. તમામ વર્ગના નેતાઓ સરકારના નિર્ણયની રાહ જોઇને બેઠા છે.

(9:54 pm IST)
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તુર્તમાં ગુજરાતના ખેડૂતોને દિવસે પણ વીજળી આપવા જાહેરાત કરશે access_time 11:28 pm IST

  • મોદી સરકાર કોરોના વાયરસના ભયને ગંભીરતાથી લેતી નથી : રાહુલ ગાંધીનો આક્ષેપ access_time 10:46 pm IST

  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST