Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

મહેસાણાની પાસે ગમખ્વાર અકસ્માત : છના મોત થયા

ગોઝારા અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા : જીપ હાઇવે પર બાજુમાં ખાડામાં ખાબકી મોટા ઝાડ સાથે અથડાઈ : બધા ઈજાગ્રસ્તોની સારવાર અર્થે દાખલ કરાયા

અમદાવાદ, તા. ૧૨ :  મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારે ખેરાલુનાં મલેકપુરથી સિદ્ઘપુર જતી એક જીપના ચાલકે કોઇક કારણસર વાહન પરનો કાબૂ ગુમાવતાં જીપ હાઇવેની બાજુમાં ખાડામાં ખાબકી એક ઝાડ સાથે જોરદાર રીતે અથડાઇ હતી, જેના કારણે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં છ લોકોના કરૂણ મોત નીપજયા હતા. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી મચી ગઇ હતી. જિલ્લા પોલીસે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તો, અકસ્માતમાં ઇજા પામેલા ૧૪થી વધુ લોકોને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક રીતે ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ખેરાલુનાં મલેકપુરથી સિદ્ધપુર જતા અદિતપુર પાસે ઝાડ સાથે જીપને ખાડાના કારણે ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જીપમાં ઉપરે બેઠેલા મજૂરોના માથા ઝાડની ડાળોને અથડાતા ફૂટી ગયા હતા. તમામને પહેલા ખેરાલુ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં એક બાદ એક એમ પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્યત્ર એકનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું.

             જીપમાં ભરેલા સામાન પર મજૂરો બેઠા હતા. રાતના બે વાગ્યા મંદિરની નજીકના પેટ્રોલ પંપથી ડીઝલ પૂરાવીને આગળ જતા જીપના ડ્રાઈવરે કાબૂ ગુમાવી દીધો હતો અને ખાડામાં જીપ ખાબકી હતી. જો કે, જીપ પલટી ન હતી પરંતુ ખાડાના કારણે આંબા સહિતના ઝાડના ડાળખાએ ઉપર બેઠેલાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગમખ્વાર એવા આ અકસ્માતમાં છ લોકોના કરૂણ મોત નીપજયા હતા, તો, ૧૪થી વધુને ઇજા થઇ હતી. આ જીપમાં ૨૦થી પણ વધારે મજૂર બેઠા હતા. આ તમામ મજૂરો ખેરાલુંના મલેકપુરથી સિદ્ધપુર જઈ રહ્યા હતા. જ્યાં હાઈવે પર કારના ડ્રાઈવરને ઝોકું આવી જતા આ અકસ્માત થયો હોવાનું મનાઇ રહ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તેમજ મૃતકોના પોસ્ટમોર્ટમ માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ અકસ્માતમાં મૃત્યું પામેલા ચાર લોકોની ઉંમર ૨૦થી ૨૭ વર્ષની અને એક બાળકી સાત વર્ષની હોવાની વાત પણ સામે આવી રહી છે. જો કે, આ બનાવને લઇ સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

(9:38 pm IST)