Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ચાર મુમુક્ષુઓની દિક્ષા સંપન્નઃ નૂતન જિનાલયમાં અમીઝરણા

લબ્ધિનિધન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ અમદાવાદમાં : રાજયના મહેસુલ મંત્રી કૌશીકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

(કેતન ખત્રી, અમદાવાદ): છેલ્લા એક સપ્તાહથી ચાલતી રહેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં રવિવારનો દિવસ ખૂબ વિશેષ રહ્યો. માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર ભારતભરના જૈન સંઘો અને વિદેશમાં પણ અમેરિકા, ઓસ્ટ્રેલીયા, કેનેડા, લંડન, કેન્યા આદિ સ્થાનોમાં વસતા જૈનોમાં જેની ભરપુર અનુમોદના થઈ રહી છે. દિન પ્રતિદિન રૂબરૂ મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે તેવા દિવ્યાતાના સ્ત્રોત્ર સમા મહોત્સવમાં આઠમા દિવસે ચાર મુમુક્ષુઓનો દિક્ષા મહોત્સવ સંપન્ન થયેલ.

પ્રભુજીને દીક્ષા સ્નાન અને દીક્ષા કલ્યાણકના વિધાન કરવામાં આવ્યા. ત્યારબાદ તમામ મુમુક્ષુઓનો વરઘોડો યોજવામાં આવ્યો. આ વરઘોડામાં યુવાનોએ ભકિતભાવ પૂર્વક જોડાઈને પ્રતિષ્ઠા મહોત્સવમાં નવો જ પ્રમાણ પુર્યો. ત્યારબાદ મુમુક્ષુઓની દીક્ષા સંપન્ન થઈ અને સંયમ વાટે ચાલી નીકળ્યા.

૪ મુમુક્ષુઓની દીક્ષા પ્રસંગે ગુજરાત રાજયના મહેસુલમંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ હાજર રહ્યા હતા, તેમણે જણાવ્યું કે પરમાત્મા મહાવીર સ્વામિની કરૂણા વર્તમાન સમયમાં પુરા વિશ્વમાં શાંતિની સ્થાપના કરવા માટે પ્રસ્તુત છે. આજે એક જ સ્થાને આટલી મોટી સંખ્યામાં હાજર જૈન આચાર્ય ભગવંતો, સાધુ- સાધ્વીજી ભગંવતો પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા.

બપોરે મધ્યાહને પરમાત્માને જિનાલયમાં રાજવૈભવી પ્રકાશે પ્રવેશ કરાવવામાં આવ્યો. શુભ મુહુર્તે જિનાલયમાં ભગવાનનો પ્રવેશ થતા જ નૂતન જિનાલયમાં અમીઝરણા શરૂ થતા હતા. હાજર ભકતો આ ઘટના જાણીને ભાવવિભોર બનીને નાચી ઉઠયા હતા.

રાત્રે એક અનુપમ આયોજન થયેલ જેમાં અમદાવાદની ધન્યધરા પર એક આકર્ષણ ઉત્પન્ન થયેલ. મધ્યરાત્રિએ એક તરફ પ્રતિષ્ઠાચાર્ય જૈનાચાર્ય- ઉત્તરસાધક સહિત જિનાલયમાં બંધબારણે અધિવાસના- અંજનશલાકા કરી રહ્યા હશે. તે જ સમયે જિનાલયના પરિસરમાં અબાલ- વૃધ્ધ સૌ ભકતગણ શિસ્તબદ્ધ રીતે સંગીત અને સંવેદનાઓના સથવારે પરમાત્માનો જાપ કરી રહ્યા હશે.

જેમાં પરેશભાઈનું- મુનિશ્રી પુષ્કલાવર્ત વિજયજી મ.સા., નિશિથભાઈનું- મુનિશ્રી નેમર્ષિરત્ન વિજયજી મ.સા., દીનાબેનનું- સાધ્વીશ્રી ચૈતન્યયશાશ્રીજી તથા સોનલબેનનું સાધ્વીશ્રી ધન્યધરાશ્રીજી નામાભિધાન કરાયેલ.

પ.પૂ.વૈરાગ્ય દેશનાદક્ષ આચાર્ય હેમચંદ્રસૂરીશ્વર, પ.પૂ.સીંયમૈકલશ્રી, આચાર્યશ્રી જગચંદ્રસૂરીશ્વરજી આદિ ૧૪ આચાર્ય ભગવંતો, પંન્યાસજી, પદસ્યો, સાધ્વીજી આદિની નિશ્રામાં રાજનગર (અમદાવાદ)ના હજારો ભાવિકોની ઉપસ્થિતમાં ચાર મુમુક્ષુની દીક્ષા થઈ હતી.

(3:26 pm IST)