Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

જુના સરદાર બ્રિજ પર ગાબડું : વાહન વ્યવહાર માટે બંધ કરાયો

ગોલ્ડન બ્રિજ પર વાહનોનું ભારણ વધશે :અનેક જગ્યાએ જર્જરિત હાલત

ભરૂચની નર્મદા નદી પર આવેલા જુના સરદાર બ્રિજ પર ગાબડું પડતા તેને વાહન વ્યવહાર માટે સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવ્યો છે.

  ભરૂચની નર્મદા નદી પર સરદાર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજને બેરિંગ ટેકનોલોજી આધારિત બનાવવામાં આવ્યો હતો. દેશમાં આ ટેકનોલોજી આધારિત જૂજ બ્રિજ છે જેમાં જુના સરદાર બ્રિજનો પણ સમાવેશ થાય છે. વર્ષો જુના આ બ્રિજ પરથી હાલ લાઈટ મોટર વહિકલને પસાર કરવા દેવામાં આવે છે. થોડા સમય પહેલા જુના સરદાર બ્રિજના અંકલેશ્વર તરફના છેડા પર 400 મીટર થી વધુની રેલિંગ તૂટી જતા તેને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.

 બ્રિજના સ્પાનમાં ગાબડું પડતા તેને બંધ કરી દેવાયો છે.સમારકામના અભાવે બ્રિજના બીજા પિલર પાસેનું જોઈન્ટ રોડ ઉપરથી જ છૂટું પડી જતા જૂનો સરદાર બ્રિજ દ્વિચક્રી વાહન અને ચાર ચક્રીય વાહનો માટે પણ બંધ કરવાનો નિર્ણય તંત્રે લીધો છે.જુના સરદાર બ્રિજ પરથી પસાર થતા વાહનોને નવા સરદાર બ્રિજ પર ડાયવર્ટ કરાયા છે. જુના અને નવા સરદાર બ્રિજ પરથી મુંબઇ તરફ જતા વાહનો પસાર થાય છે. જૂનો સરદાર બ્રિજ બંધ થતાં હવે ગોલ્ડન બ્રિજ પર વાહનોનું ભારણ વધી જશે. હાલ તો નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જુના સરદાર બ્રિજના વહેલી તકે સમારકામ માટે દોડધામ કરી રહ્યા છે.

(11:27 pm IST)