Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

દાંતા-અંબાજી હાઈવે આજથી બંધ : રસ્તો ચારમાર્ગીય કરાશે

પહાડી રસ્તાને વધુ વ્યવસ્થિત બનાવવા કામગીરી : પ્રોટેક્શન વોલ અને પહાડોને તોડવા બ્લાસ્ટીંગ કામગીરી કરાશે : જાનહાનિ ટાળવા માટે વૈકલ્પિક રૂટને શરૂ કરાયા

અમદાવાદ, તા.૧ : દાંતા ત્રિશુળિયા ઘાટ પાસેના વળાંકમાં લક્ઝરી બસના ચાલકની ગંભીર ચૂકના કારણે થોડા મહિના પહેલા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૩૩ લોકોના કરૂણ મોત નીપજાવનારી રાજયભરમાં ભારે ચકચાર જગાવનારી અક્સ્માતની દુર્ઘટના બાદ હવે સરકારના સત્તાવાળાઓ દ્વારા પાલનપુર પાસે દાંતા અંબાજી પહાડી માર્ગને ફોરલેન કરવાની કામગીરી પાછલા કેટલાક મહિનાઓથી હાથ ધરાઇ રહી છે. તે અંતર્ગત ત્રિશુળિયા ઘાટ પર પ્રોટેક્શન વોલ તેમજ બ્લાસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. જેને લઈ તા.૧ ડિસેમ્બરથી તા.૩૧ ડિસેમ્બર દરમ્યાન દાંતાથી અંબાજીને જોડતા માર્ગને બંધ કરીને વાહનવ્યવહારને ડાયવર્ટ કરી દેવાયો છે. વૈલ્પિક વ્યવસ્થા કરીને પાલનપુરથી અંબાજી જતા લોકોને વિરમપુર થઇને જ્યારે દાંતાથી અંબાજી જતા વાહન ચાલકોને દાંતા-સનાલી-હડાદ જતા માર્ગેથી પસાર થવું પડશે. પાલનપુરથી અંબાજી જતા લોકોને ચિત્રાસણી-બાલારામ-વિરમપુર થઇ અંબાજી જવું પડશે.

          જ્યારે દાંતાથી પસાર થતા લોકોને સનાલી-હડાદ માર્ગે થઇ અંબાજી પહોચી શકાશે. જ્યારે અમદાવાદથી અંબાજી જતા ભક્તો હિંમતનગર ખેડબ્રહ્મા થઈ, મહેસાણાથી અંબાજી જતા ભક્તો પાલનપુર વિરમપુર થઈ અંબાજી જઇ શકશે. યાત્રાધામ અંબાજીમાં ગુજરાત ભરથી ભાવિક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. યાત્રાળુઓના ટ્રાફિકને ધ્યાને લઇ તંત્ર દ્વારા અંબાજીને જોડતા દાંતા અંબાજી માર્ગને ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્રિશુળિયા ઘાટના માર્ગને ફોરલેન કરવા પહાડો પર બ્લાસ્ટ કરવામાં આવનાર છે. તેવા સમયે કોઇ જાનહાનિ ન થાય તેને ધ્યાને લઇ ત્રિશુળિયા ઘાટના માર્ગને એક મહિના માટે બંધ કરી દેવાયો છે. યાત્રિકો તેમજ વાહન ચાલકોની સલામતી ધ્યાનમાં રાખીને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સમગ્ર પ્રોજેકટની કામગીરી શકય એટલી ઝડપથી પૂર્ણ કરવા પણ તંત્રએ આશા વ્યકત કરી છે.

(8:45 pm IST)