Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

બેરોજગાર ગુજરાત

રાજયમાં ૪.૯૩ લાખ શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગાર યુવાનો છે

વિધાનસભામાં અપાઈ માહિતી

ગાંધીનગર : ગ્રેજયુએશ કે માસ્ટર્સની ડિગ્રી મેળવ્યા બાદ યુવાનોને સૌથી વધુ મૂંઝવતો પ્રશ્ન છે નોકરીનો. અમદાવાદમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું છે તેની ચાડી આંકડા ખાય છે. અમદાવાદ જિલ્લામાં ૪૮,૭૧૫ યુવાનો પાસે રોજગારી નથી. રાજયમાં કુલ ૪.૯૩ લાખ શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો છે. બુધવારે પ્રશ્નોના જવાબ આપતા રાજય સરકારે આ આંકડા રજૂ કર્યા. એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહના પ્રશ્નના જવાબમાં રાજય સરકારે લેખિત જવાબ આપતાં કહ્યું, ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીના આંકડા પ્રમાણે, અમદાવાદ જિલ્લામાં ૪૮,૭૧૫ યુવાનો બેરોજગાર છે. સરકારે કહ્યું, ૨૦૧૮-૧૯માં નાણાકીય વર્ષમાં જિલ્લાના ૫૦,૦૧૩ યુવાનોને રોજગારી આપી છે.

સયાજીગંજના ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્ત્।રમાં સરકારે કહ્યું, ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી વડોદરામાં ૨૭,૦૯૦ લોકો પાસે નોકરી ન હોવાનું નોંધવામાં આવ્યું. એક વર્ષમાં સરકારે ૨૯,૯૦૮ લોકોને રોજગારી આપી છે. ડાંગના ધારાસભ્ય મંગળભાઈ ગાવિતના પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું, સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં રાજયમાં ૪.૬૮ લાખ શિક્ષિત બેરોજગાર હતા. જયારે ૨૯,૯૫૧ અર્ધશિક્ષિત બેરોજગારો હતા.

બીજા એક પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું, ૧ ઓકટોબર ૨૦૧૩થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં ૩,૦૮૪ યુવાનોને રોજગારી પૂરી પાડી છે. સરકારે કહ્યું કે, સૌથી વધુ રોજગારી ૧ ઓકટોબર ૨૦૧૫થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૬ વચ્ચે આપવામાં આવી. રાજય સરકારના જણાવ્યા પ્રમાણે, આ ગાળા દરમિયાન તેમણે ૧,૦૦૨ બેરોજગારોને રોજગારી આપી. વાંસદાના ધારાસભ્ય અનંતકુમાર પટેલના સવાલના જવાબમાં સરકારે કહ્યું, ONGC, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને IOC સરકારના નિયમનું ઉલ્લંઘન કરીને ૮૫ ટકા સ્થાનિક યુવાનોને રોજગારી નથી આપતી. આ સંસ્થાઓ સાથે નિયમિત મીટિંગ કરીને સુનિશ્ચિત કરાશે કે નોકરી આપવાના નિયમનું પાલન થાય.

(12:41 pm IST)