Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ડાકોરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ઝુંબેશ હાથ ધરાઈ

નડિયાદ:ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખી પ્લાસ્ટિક મુક્ત ગુજરાતની ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં યાત્રાધામ ડાકોરને 'પ્લાસ્ટિક ફ્રી ઝોન' જાહેર કરાયું હતુ. તેમજ જાહેરનામા દ્વારા પ્લાસ્ટિકનો સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો હતો. આ બાદ પણ શહેરમાં ઠેર-ઠેર પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાથી સ્થાનિક રહીશે આવેદનપત્ર પાઠવી તંત્રને તેમની ઝુંબેશ ફરી યાદ અપાવી છે.

 


ખેડા જિલ્લામાં નડિયાદ અને ડાકોર સહિત કેટલાય શહેરોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સરકારે પહેલ કરી હતી. જેમાં પ જૂને ડાકોરને 'પ્લાસ્ટિક ફ્રી ઝોન' જાહેર કરવામાં આવ્યુ હતુ. સરકાર દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે આ પહેલ કરાઈ હતી. જેમાં ડાકોરનાં કેટલાક વેપારીઓએ સ્વેચ્છાએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી દીધો છે. પરંતુ શહેરમાં હાલ પણ કેટલીક જગ્યાઓએ પ્લાસ્ટિકનો ખુલ્લેઆમ ઉપયોગ થઈ રહ્યો છે. તો ક્યાંક ખાનગીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દૂધ, દહીં, ફૂલહાર, કરીયાણુ, શાકભાજી, કેરીના રસ અને પાણીનાં પાઉચ સહિત ચ્હા જેવી વસ્તુઓ માટે હાનિકારક પ્લાસ્ટિકનો વપરાશ થઈ રહ્યો છે. જેથી જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાંનો ભંગ થઈ રહ્યો છે.

(6:07 pm IST)