Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

દ.ગુજરાત, ઉ.ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ૫ દિવસમાં ભારે વરસાદની સંભાવના

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે : છત્તીસગઢ અને અરબી સમુદ્ર ઉપર વાતાવરણમાં સર્જાયેલી સાયકલોનીક સરકયુલેશન સિસ્ટમના કારણે આ વરસાદ થશે

મુંબઇ તા. ૧૧ : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. છત્તીસગઢ અને અરબી સમુદ્ર ઉપર વાતાવરણમાં સર્જાયેલી સાયકલોનીક સરકયુલેશન સિસ્ટમના કારણે આ વરસાદ થશે તેમ હવામાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની સાપ્તાહિક બેઠકમાં રાજયની વરસાદી સ્થિતિનું અવલોકન કરતાં સરકારે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જુલાઇથી ઓગષ્ટ દરમિયાન સામાન્ય રીતે સારો વરસાદ થતો હોય છે. દક્ષિણ ગુજરાતના દરિયામાં ઝડપી પવનો ફુંકાવાની શકયતા હોવાથી માછીમારોને આગામી દિવસોમાં માછીમારી ન કરવા પણ ચેતવણી આપવામાં આવી છે.

રાહત નિયામક અને અધિક સચિવ એમ.આર.કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ-૧૫ ટીમને એલર્ટ કરાઇ છે. જે પૈકી તાપી, વલસાડ, સુરત, બનાસકાંઠા, જામનગર, અમરેલી ખાતે ૧-૧ જયારે ગાંધીનગર ખાતે ૦૩ અને વડોદરામાં ૦૬ ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે. રાજયમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ-૧૩ માનવમૃત્યુ નોંધાયા છે જેમાં ૧૧ ને સહાય ચૂકવવામાં આવી છે. આગામી દિવસોમાં સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર તંત્ર સજ્જ છે.

આ બેઠકમાં માર્ગ-મકાન, સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વીજ કંપનીઓ, વાહનવ્યવહાર, કૃષિ, સિંચાઇ, આરોગ્ય ઉપરાંત હવાઇદળ, એનડીઆરએફ અને પોલીસદળ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વિભાગની સજ્જતા વિષે માહિતી આપી હતી. (૨૧.૨૭)

(3:55 pm IST)