Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

વડોદરાના કાવાંટના હાંફેશ્વર મંદિરે જવા માટે બોટની સુવિધા ઉપર પ્રતિબંધ

વડોદરાઃ કાવાંટ તાલુકાના હાંફેશ્વર ગામમાં આવેલા પૌરાણિક શિવ મંદિર જતી બોટ પર પ્રતિબંધ મુકવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરદાર સરોવર ડેમમાં જળ સપાટી ઘટતા માર્ચ મહિનામાં આ મંદિરનો ગુંબજ બહાર આવ્યો હતો. લગભગ બે દશકથી જળમગ્ન આ મંદિરના દર્શન કરવા લોકો ત્યાં જવા માંડ્યા હતા.

બોટિંગનું પ્રમાણ વધી જતા, પહેલી જૂનના રોજ કલેક્ટર દ્વારા કાવાંટના મામલતદારને સૂચના આપી હતી કે તે સરપંચને ઓર્ડર મોકલે કે, લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોટિંગ બંધ કરી દેવામાં આવે. જિલ્લા કલેક્ટર સુજલ જણાવે છે કે, બોટચાલકો સુરક્ષાને ધ્યાનમાં રાખ્યા વિના લોકોને ત્યાં લઈ જતા હતા અને ત્યાં પાણી પણ ઉંડુ છે. જો કોઈ અકસ્માત સર્જાય તો ત્યાં બચાવકાર્ય પણ મુશ્કેલ બની જાય. માટે અમે ત્યાં જવા પર પ્રતિબંધ મુક્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આદેશનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે ચેક કરવા માટે મામલતદારને ત્યાંની મુલાકાત લેવાનું પણ કહેવામાં આવ્યું છે. જો કે રવિવાર સાંજ સુધી ત્યાં બોટિંગ ચાલુ હતુ. વડોદરા નિવાસી એડવોકેટ હર્ષદ પરમારે રવિવારે મંદિરની મુલાકાત લીધી ત્યારે બોટ ચાલુ હતી.

એડવોકેટ પરમારે જણાવ્યું કે, મેં બોટના માલિક પાસે લાઈફ જેકેટ માંગ્યું પણ તેમની પાસે લાઈફ જેકેટની સુવિધા નહોતી. ત્યાંના સ્થાનિકોએ મને જણાવ્યું કે મંદિર તરફ બોટની અવરજવર શરુ થયા પછી નર્મદાના કિનારે અનેક ખાણીપીણીની દુકાનો શરુ થઈ છે અને અમુક લોકો અહીં દેશી દારુ પણ વેચે છે.

ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં નર્મદામાં જળસપાટી ઘટવાને કારણે મંદિરનો ગુંબજ સિવાય બીજો અને પહેલો માળ પણ બહાર આવ્યો હતો. નદીના કિનારાથી આ પૌરાણિક મંદિર સુધી બોટમાં જતા 25 મિનિટનો સમય લાગે છે. લગભગ 20 વર્ષ પહેલા આ મંદિર જળમગ્ન થયુ હતું, ત્યારે ગામના લોકોએ મૂર્તિની નજીકના ગામમાં નવા મંદિરમાં સ્થાપના કરી હતી.

(6:24 pm IST)