Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

ગુજરાતમાં રાજયપાલ દ્વારા જાહેરનામું જારી કરી દેવાયું

૧૩મી વિધાનસભાના વિસર્જનની જાહેરાતઃ હવે વર્તમાન સરકારના તમામ મંત્રીઓ રાજીનામા આપશે રાજ્યમાં નવી સરકાર બનાવવા માટેની કવાયત શરૂ થઇ

અમદાવાદ, તા.૨૦, રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પરિણામો ૧૮ ડિસેમ્બરને સોમવારના રોજ જાહેર થયા બાદ આ પરિણામોમાં ભાજપ ૯૯ બેઠકો સાથે રાજયમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે.દરમિયાન રાજયના રાજયપાલ દ્વારા આજે મોડી સાંજે ૧૩મી વિધાનસભાનુ વિસર્જન કરતા જહેરનામા ઉપર હસ્તાક્ષર કરવાની સાથે જ રાજયમા નવી સરકારની રચના કરવાનો માર્ગ મોકળો બનવા પામ્યો છે.આ સાથે જ રાજયના વર્તમાંન મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના તમામ મંત્રીઓએ પોતાના રાજીનામા સુપરત કરવાની તૈયારીઓ આરંભી દીધી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજયપાલ ઓ.પી.કોહલી દ્વારા આજે મોડી સાંજે ૧૩મી વિધાનસભાના વિસર્જન કરવા અંગેના સત્તાવાર જાહેરનામા ઉપર સહી કરતાની સાથે જ રાજયમા સતત છઠ્ઠી વખત ભાજપના નેતૃત્વવાળી નવી સરકાર રચવાનો માર્ગ મોકળો બન્યો છે.રાજયમા નવા મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ દ્વારા ઘણુ કરીને ૨૫ ડિસેમ્બરના રોજ શપથવિધિ ગ્રહણ કરવામા આવશે.શપથવિધિ માટેનુ સ્થળ નકકી કરવામા આવી રહ્યુ છે.શપથવિધિ સમારોહમા ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશમાં ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ,કેન્દ્ર સરકારના મંત્રીઓ સહિતના તમામને આમંત્રણ આપવામા આવ્યા હોવાનુ પણ સત્તાવાર સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.સતત છઠ્ઠી વખત રાજયમાં ભાજપના નેતૃત્વમા સરકારની રચના થવા જઈ રહી છે ત્યારે શપથવિધિ સમારોહને પણ શાનદાર બનાવવા કવાયત તેજ કરી દેવામા આવી છે.આ શપથવિધિ સમારોહમાં મોટી સંખ્યામા કાર્યકરો ઉમટી પડશે એ માટે પણ તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

(9:51 pm IST)