Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

વાલોડથી બાજીપુરા નજીક બે બાઈક સામ-સામે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં દંપતીનું ઘટનાસ્થળેજ કમકમાટી ભર્યું મોત

બારડોલી:વાલોડથી બાજીપુરા જતા રોડ પર બાઇક ચાલકે ટ્રકને ઓવરટેક કરવા જતાં સામેથી આવતી બાઇક સાથે અથડાવી દેતાં મઢીના પતિ-પત્ની બંને રોડ પર પટકાતા ટ્રકના વ્હીલ નીચે આવી જતાં બંનેના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં.

બારડોલી તાલુકાના મઢી ગામે શુગર ફેકટરી ખાતે કામદાર કોલોનીમાં હરીશ ઠાકોરભાઇ પંચાલ (ઉ.વ. ૪૭) પત્ની કલાવતીબેન  (ઉ.વ. ૪૦) અને પુત્ર નિકુંજ સહિત પરિવાર સાથે રહેતા હતા. હરીશ પંચાલ ગતરોજ પોતાની પેશનપ્રો બાઇક (નં. જીજે-૧૯-એકે- ૧૭૩૪) પર પત્ની કલાવતી સાથે મહુવા તાલુકાના ડુંગરી ગામે કામ અર્થે જવા નીકળ્યા હતા.

દરમિયાન સાંજના સાતેક વાગે વાલોડથી બાજીપુરા જતા રોડ પર વાલોડ ગામની સીમમાં હરીશ પંચાલ આગળ ચાલતી શેરડી ભરેલી ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી આવતી યામાહા બાઇક (નં. જીજે-૧૬-ડી- ૪૯૪૮)ની સાથે અથડાવી દેતાં હરીશ પંચાલ અને કલાવતીબેન બંને બાઇક પરથી ઉછળી રોડ પર પડતા પાછળ આવતી શેરડી ભરેલી ટ્રકનું વ્હીલ બંને પરથી ફરી જતાં કલાવતીબેનનું સ્થળ પર મોત નીપજ્યું હતું.

જ્યારે હરીશ પંચાલને સારવાર માટે વ્યારા ખાતે લઇ જતાં ત્યાં મોત નીપજ્યું હતું. યામાહા બાઇક ચાલકને ઇજા થઇ હતી. અકસ્માતના બનાવ અંગે વાલોડ પોલીસે મરણ જનાર બાઇક ચાલક હરીશ પંચાલ વિરૃદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:33 pm IST)